ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેને લઈને ઈરાનમાંથી ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા અને ત્યાથી પરત લાવવા ભારત સરકારે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું છે. ત્યારે ઈરાનમાંથી બહાર કાઢવામાં આવેલા ૧૧૦ભારતીય વિદ્યાર્થીઓનું એક વિમાન ગુરુવારે (૧૯મી જૂન) વહેલી સવારે દિલ્હી પહોંચ્યું છે. આ વિદ્યાર્થીઓને પહેલા ઈરાનથી આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા, ત્યાથી તેમને ભારત પરત લાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓમાં ૯૦ જમ્મુ-કાશ્મીરના છે, જે મેડિકલનો અભ્યાસ કરતા હતા.
વિદ્યાર્થીઓના પરિવારો દિલ્હી એરપોર્ટ પર તેમના બાળકોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રાજસ્થાનના કોટાથી આવેલા એક પિતાએ જણાવ્યું હતું કે, ‘મારો પુત્ર ઈરાનમાં બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS) કરી રહ્યો હતો. તે હવે ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલા ખાસ વિમાન દ્વારા પરત ફર્યો છે. હું ભારતીય દૂતાવાસનો આભાર માનું છું.’
ઈરાનથી દિલ્હી પહોંચ્યા પછી વિદ્યાર્થી અમન અઝહરે જણાવ્યું હતુ કે, ‘હું ખૂબ જ ખુશ છું. મારા પરિવારને મળ્યા પછી મને કેવું લાગે છે તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. ઈરાનમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. ત્યાંના લોકો પણ આપણા જેવા જ છે, નાના બાળકો પણ મુશ્કેલીમાં છે. યુદ્ધ કોઈના માટે સારું નથી. તે માનવતાને ખતમ કરે છે.’
સોશિયલ મીડિયા પ્લેટપોર્મ ‘X’ પર ભારતીય દૂતાવાસે પોસ્ટ કરીને લખ્યું કે, ‘તેહરાનમાં રહેતા અને દૂતાવાસના સંપર્કમાં ન હોય તેવા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક તેહરાનમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને તેમનો ફોન નંબર અને એડ્રેસ +૯૮૯૦૧૦૧૪૪૫૫૭; +૦૯૦૧૨૮૧૦૯૧૧૫; +૯૮૯૧૨૮૧૦૯૧૦૯ નંબર પર મોકલવામાં આવે.’ આ ઉપરાંત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘ઈઝરાયલ અને ઈરાન બંનેમાં ૨૪×૭ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.’
ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં ૪,૦૦૦થી વધુ ભારતીય નાગરિકો છે, જેમાંથી લગભગ અડધા વિદ્યાર્થીઓ છે. ભારત સરકાર ઈરાની અધિકારીઓ સાથે મળીને ત્યાં ફસાયેલા અન્ય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કામ કરી રહી છે.