સેમ્સનની અકલ્પનીય ઇનિંગ્સ છતાં રાજસ્થાન પંજાબના જંગી લક્ષ્યાંક સામે ફક્ત ચાર રને જ હાર્યુ

રાહુલના 50 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 91 રન

દીપક હૂડાના 28 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 64 રન

કેપ્ટન સંજુ સેમ્સનની અકલ્પનીય ઇનિંગ્સ પછી પણ રાજસ્થાનનો પંજાબના ૬ વિકેટે ૨૨૧ રનના જંગી સ્કોર સામે ચાર રને પરાજય થયો હતો. પંજાબના જંગી સ્કોર સામે સેમ્સને જે રીતની રમત દાખવી હતી તે જોતા એક સમયે તો લાગ્યું જ હતું કે તે એકલા હાથે ટીમને જીતાડી દેશે. સેમ્સને ૬૩ બોલમાં ૧૨ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી ૧૧૯ રનની અફલાતૂન ઇનિંગ્સ રમી હતી. તેની આ અકલ્પનીય ઇનિંગ એક સમયે રાજસ્થાનને વિજયની નજીક મૂકી દીધી હતી. રાજસ્થાને અંતિમ ઓવરમાં જીતવા માટે ૧૩ જ રન કરવાના હતા, સંજુ સેમ્સન રમતમાં હતો, પણ અર્શદીપે અંતિમ ઓવર એકદમ ચુસ્ત નાખતા અને છેલ્લા બોલે સેમ્સને આઉટ થતાં રાજસ્થાનનો પરાજય થયો હતો. આ સદી સાથે સંજુ સેમ્સને કેપ્ટન તરીકે પ્રથમ મેચમાં શ્રેયસ ઐયરના ૨૦૧૮માં અણનમ ૯૩ રન કરવાના રેકોર્ડને તોડયો હતો.

પંજાબ કિગ્સે કેપ્ટન રાહુલ અને દીપક હૂડાની વિસ્ફોટક બેટિંગની મદદથી રાજસ્થાન રોયલ્સની સામે ૬ વિકેટે ૨૨૧ રનનો ગંજ ખડક્યો હતો. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પંજાબને બેટિંગમાં ઉતાર્યુ અને ભાવનગરના ચેતન સાકરિયાએ મયંક અગ્રવાલની પહેલી વિકેટ ઝડપી ત્યારે કલ્પના નહીં હોય કે પંજાબ આટલો જંગી જુમલો નોંધાવશે. રાહુલે ૫૦ બોલમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે ૯૧ રનની શાનદાર ઇનિંગ રમી હતી અને તે મેચની અંતિમ ઓવરમાં આઉટ થયો હતો.

કેપ્ટન રાહુલે પહેલા ગેઇલ સાથે બીજી વિકેટની ૬૭ રનની અને પછી દીપક હૂડા સાથે ત્રીજી વિકેટની ૧૦૫ રનની ભાગીદારી નોંધાવી હતી. દીપક હૂડાએ પણ રાહુલને બરોબરનો ટેકો આપતા ફક્ત ૨૮ બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૬૪ રન કર્યા હતા. રાજસ્થાન રોયલ્સમાં ગુજરાતના ભાવનગરનો રહેવાસી એકમાત્ર બોલર એવો હતો જે પંજાબના બેટ્સમેનો પર લગામ લાવી શક્યો હતો. તેણે ચાર ઓવરમાં ૩૧ રન આપી ૩ વિકેટ ઝડપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *