આ 4 ઘટના પર રહેશે નજર
1) ગુડી પડવો અને ચેટીચાંદ સહિત ઘણા અન્ય તહેવારને કારણે બેંકો બંધ રહેશે.
2) કોરોના સંક્રમણને પગલે ચૈત્રી નવરાત્રિ દરમિયાન વડોદરા જિલ્લાના પાદરાના રણુંમાં આવેલું મા તુલજા ભવાનીનું મંદિર બંધ રહેશે.
3) ભૌમ અશ્વિનીના દુર્લભ યોગ સાથે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ, ઘટ સ્થાપન માટે સવારે 9 વાગ્યાથી બપોરે 12:30 સુધીનું મુહૂર્ત શ્રેષ્ઠ રહેશે.
4) કોરોના બેકાબૂ બનતાં અમદાવાદમાં AMCની હેલ્થ ટીમ સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી કરશે
1) ગુજરાતમાં ધાર્મિક-રાજકીય સહિત તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ, લગ્નમાં 50થી વધુ લોકો હાજર નહીં રહી શકે
કોરોનાની કામગીરી મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને બરાબરની ખખડાવી છે, જેને પગલે સફાળા જાગેલા મુખ્યમંત્રી રૂપાણીએ કેટલાક નિર્ણયો જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એપ્રિલ-મેના તમામ તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. રાજકીય, સામાજિક, જન્મદિવસની જાહેરમાં તહેવારની ઉજવણી કરવા દેવાશે નહીં. જ્યારે 14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકો જ કામ કરી શકશે.
2) સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ, અત્યારે રાજ્યના લોકો ભગવાનના ભરોસે, રોજનાં 27 હજાર રેમડેસિવિર ક્યાં જાય છે?
કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને બરાબરની તતડાવી છે. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં નારાજગી વ્યક્ત કરતા સુઓમોટો PILની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. રેમડેસિવિર ઈન્જેક્શન એક જ જગ્યાએ કેમ મળે છે? લોકોને ઘરે બેઠા ઈન્જેક્શન કેમ નથી મળી શકતાં? હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પૂરતાં પ્રમાણમાં છે તો પછી હોસ્પિટલ બહાર 40 એમ્બુલન્સની લાઈન કેમ લાગે છે?