આજે ૨૧ જૂનના રોજ દેશ અને દુનિયામાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ખાસ કાર્યક્રમ ‘યોગ સંગમ’ હેઠળ લોકો સવારે ૦૬:૩૦ થી ૦૭:૪૫ વાગ્યા સુધી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશાખાપટ્ટનમમાં છે. અહીં જનતાને સંબોધતા તેમણે કહ્યું કે, “જ્યારે હું છેલ્લા દાયકામાં યોગની સફર પર નજર કરું છું, ત્યારે મને ઘણી બધી વાતો યાદ આવે છે. જે દિવસે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળે અને પછી સૌથી ઓછા સમયમાં વિશ્વના ૧૭૫ દેશો અમારા પ્રસ્તાવ સાથે ઉભા રહ્યા.”
તેમણે વધુમાં કહ્યું કે આજના વિશ્વમાં આ પ્રકારનો ટેકો સામાન્ય ઘટના નથી. આ ફક્ત કોઈ પ્રસ્તાવને સમર્થન નહોતું, તે માનવતાના કલ્યાણ માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો. આજે, ૧૧ વર્ષ પછી, આપણે જોઈ રહ્યા છીએ કે યોગ વિશ્વભરના કરોડો લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. મને ગર્વ થાય છે જ્યારે હું જોઉં છું કે આપણા દિવ્યાંગ મિત્રો યોગ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે.

