ગુજરાતમાં ૮,૩૨૬ ગ્રામ પંચાયતોને લઈને આજે રવિવારે (૨૨ જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં કચ્છમાં ત્રણ વર્ષ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું, ત્યારે રાપરના ચિત્રોડ ગામે પંચાયતની ચૂંટણી દરમિયાન મારામારીની ઘટના બની હતી. મતદાન બાબતે ઉમેદવાર અને ગામના વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
કચ્છના ૯ તાલુકામાં કુલ ૧૨૯ સ્થળે સામાન્ય અને પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાપરના ચિત્રોડ ગામે મતદાનને લઈને બે જૂથના કાર્યકરો વચ્ચે પોલીસની હાજરીમાં ઢીકાપાટુની મારામારી થઈ હતી. જોકે, પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
બીજી તરફ, ભુજના માધાપરની એમએસવી હાઈસ્કૂલના મતદાન મથકે પોલીસ અને મતદાર વચ્ચે બુથ પર બેસવા બાબતે રકઝક થઈ હતી. જેમાં પોલીસે મતદાર સાથે અસભ્ય વર્તન કર્યુ હોવાની ફરિયાદ ઉઠી હોવાનું સામે આવ્યું છે.