આજે અષાઠી બીજ એટલે ૨૭ જૂન, ૨૦૨૫ ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે અમદાવાદમાં ૧૪૮ મી રથયાત્રા યોજાઈ રહી છે. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. હાથી, ટેબ્લો, અખાડા, વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાઈને ખાસ આકર્ષણ જમાવશે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. રથયાત્રામાં દેશભરમાંથી અઢી હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે. રથયાત્રા પહેલા જળયાત્રા, નેત્રોત્સવ વિધિ યોજાઈ ચૂકી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં પહિંદવિધિ કરશે. ત્યારબાદ રથયાત્રા પ્રસ્થાન કરશે. જોકે, આ પહેલાં ભગવાન જગન્નાથને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં પહેલીવાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું છે.
જગન્નાથની રથયાત્રાનું આગમન થવાને હવે ગણતરીનો સમય બાકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદવિધિ બાદ રથયાત્રાનું આગમન થશે. હાલ મુખ્યમંત્રી મંદિરે પહોંચી ગયા છે.
ભગવાન જગન્નાથ મંદિરમાંથી બહાર આવીને આજે નગરચર્યા કરશે અને ભક્તોને દર્શન આપશે. જોકે, વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં હર્ષોલ્લાસ અને જય જગન્નાથના નાદ સાથે ગૂંજી ઉઠ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મંદિર પહોંચી રહ્યા છે. નિજ મંદિરમાં હાલ ભક્તોનું માનવ મહેરામણ જામ્યું છે.
અષાઢી બીજના દિવસે ભક્તોને દર્શન આપવા માટે ભગવાન જગન્નાથ, ભાઈ બલરાન અને બહેન સુભદ્રાજી સાથે તૈયાર છે. હાલ તેમની મૂર્તિને રથમાં બિરાજમાન કરવામાં આવી છે. ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બિરાજમાન કરાયા છે. ભાઈ બલરામને તાલધ્વજ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા અને સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે.
અમિત શાહે વહેલી સવારે મંગળા આરતી કરી. ભારે સિક્યોરિટી સાથે ગૃહ મંત્રી મંદિરે પહોંચી ભગવાન જગન્નાથની આરતી કરી હતી. મોટી સંખ્યામાં નિજ મંદિરે પહોંચેલા ભક્તોએ મંગળા આરતીનો લીધો લાભ.
આજનો રથયાત્રાનો કાર્યક્રમ
• સવારે ૦૪:૦૦ વાગ્યે મંદિરે મંગળા આરતી પૂર્ણ
• મંગળા આરતી બાદ રાસ ગરબાનો કાર્યકમ યોજાયો
• રાસમાં ભગવાનનું મનગમતું આદિવાસી નૃત્ય
• સવારે ૦૭:૦૦ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી પહિંદવિધિ કરશે
• પહિંદવિધિ બાદ રથયાત્રા નીકળશે
શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન, સમર્પણ અને અહંકાર મુક્ત
આ યાત્રાના પાવન પુણ્યથી તમારા બધાના જીવનમાં
સુખ, સમુદ્ધિ, સૌભાગ્ય, યશ અને આરોગ્ય સ્થાપિત થાય
જગન્નાથ રથ યાત્રાની શુભકામનાઓ