હવામાન વિભાગ દ્વારા અગાઉ જ જાહેરાત કરી દેવાઇ છે કે, આ વર્ષે ગુજરાત માટે ચોમાસું ધમાકેદાર રહેવાનું છે. અત્યાર સુધીમાં એક જ સાર્વત્રીક વરસાદના કારણે રાજ્યનો ૯ % સરેરાશ વરસાદ વરસી ચુક્યો છે. જો કે હજી આખુ ચોમાસુ બાકી છે. ત્યારે હવામાન વિભાગ દ્વાર આગામી ૫ દિવસ માટે આગાહી કરવામાં આવી હતી.
આગામી ૫ દિવસ ગુજરાત માટે ભારે
રાજ્યમાં ૧૬ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ ૧૧ દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. જ્યારે આ વર્ષે ચોમાસું ધમાકેદાર રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી અગાઉ જ કરી દેવામાં આવી હતી. આવતીકાલે ૧૩ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ અપાયું છે. કચ્છ, બનાસકાંઠા, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આટલા જિલ્લામાં યલો એલર્ટ
જ્યારે પાટણ, સાબરકાંઠા, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદર, મોરબી, રાજકોટ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે.
મોટા ભાગનાં જિલ્લાઓમાં વરસાદ
ગઈકાલે (૨૭ જૂન શુક્રવાર) અષાઢી બીજના દિવસે વહેલી સવારથી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. સવારના ૬ વાગ્યાથી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૪૫ તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂરમાં પોણા ત્રણ ઈંચ તેમજ કચ્છના માંડવીમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં પણ કેટલાક સ્થળોએ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. રણછોડરાયનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
૬ જિલ્લામાં રેડ એલર્ટ
આજે ૬ જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે ૧૦ જિલ્લામાં ઓરેન્જ અને ૧૨ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી આગાહી કરી છે. જેના પગલે આ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે.
ખેડાનો વણાકબોરી વિયર ઓવરફ્લો
ખેડા જિલ્લામાં જીવાદોરી સમાન વણાકબોરી વિયર આજે ૨૨૨.૭૫ ફુટે ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે આ વિયરમા પાણીની આવક થતાં આ વિયર ઓવરફ્લો થઇ ગયો હતો. ગઈકાલે આ વિયરમા પાણીની સ્થિતિ જોઈએ તો, ૨૨૧.૨૫ ફુટમા પાણીથી છલોછલ છે.
પાણી મહીસાગરમાં છોડવામાં આવ્યું
આ પાણીની આવક થતાં મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે મહીસાગર નદીમાં પણ નવા નીર આવ્યા છે. ઉનાળામાં ઓછા લેવલ પર રહેતી આ નદી ખાસ હવે ચોમાસાના પ્રારંભે પાણીની સારી આવક મળી છે.
માલધારીનાં ૬૨ પશુ તણાયાં
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પંથકમાં અને ઉપરવાસમાં રાત્રે ભારે વરસાદ પડતાં હરણાવ નદીમાં પૂર આવ્યું છે. મધરાતે અચાનક નદીની જળસપાટીમાં વધારો થતાં નદીકિનારે રહેતાં ૮૦ જેટલાં પશુઓ સાથે માલધારી પરિવાર પાણીમાં ફસાઇ ગયો હતો. જોકે હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મા ફાયર ટીમોએ મોડીરાત્રે રેસ્ક્યૂ કરીને માલધારી પરિવારના ત્રણ લોકોને બચાવી લીધા હતા, જ્યારે ૮૦ પૈકી ૧૮ પશુને બચાવી શકાયા હતા બાકીનાં ૬૨ પશુ પાણીમાં તણાઇ ગયાં હતા.