




હરિદ્વારમાં આયોજિત કુંભમેળામાં કોરોનાના પ્રતાપે માસ્કધારી સાધુઓ પ્રથમવાર જોવા મળ્યા. ભારતમાં હાલ કોવિડ-19 મહામારીએ માઝા મૂકી છે. અનેક સ્થળે માણસો ટપોટપ મરી રહ્યા છે, હોસ્પિટલો કોરોના પેશન્ટ્સથી ઊભરાઈ રહી છે, ઈન્જેક્શન્સ, ટેસ્ટ, રસી માટે જીવતા લોકોની તો લાંબી કતારો જોવા મળે છે, પણ હવે અગ્નિસંસ્કાર માટે મૃતદેહોને પણ વેઈટિંગમાં રહેવાનો વારો આવ્યો છે. આવી કપરી સ્થિતિમાં હરિદ્વાર ખાતે આયોજિત કુંભમેળામાં લાખો લોકો ઊમટી પડ્યા છે. જોકે આ વખતે કોરોનાકાળમાં સાધુઓ પણ માસ્કમાં સજ્જ જોવા મળ્યા છે. લાખોની સંખ્યામાં એકત્રિત થઈ રહેલા લોકોને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ રહેતું નથી. હરિદ્વારમાં 18000 જેટલા શ્રદ્ધાળુઓમાં રેન્ડમ કોવિડ-19 ટેસ્ટ કરાતાં તેમાં 100 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. આ રીતે જોઈએ તો કોરોનાનો વિસ્ફોટ થઈ શકે છે. આ સ્થિતિમાં એક જ પ્રાર્થના કે હે ઈશ્વર બને તો કોરોનાનો કાળ બનજે.
આ પ્રેમ અભિવ્યક્તિ નહીં, બળવત્તર વિરોધનું દૃશ્ય છે



ઈટાલીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને એને કારણે લોકડાઉનની સ્થિતિ જારી છે. એવામાં લોકોના ધંધા-રોજગારને માઠી અસર થઈ રહી છે. નાના વેપારીઓ-ધંધાર્થીઓ અકળાઈને આખરે માર્ગો પર કોરોના સંબંધિત પ્રતિબંધોનો વિરોધ કરવા માર્ગો પર ઊતરી આવ્યા ત્યારે આ તસવીરમાં દેખાતી એક મહિલા સુરક્ષાકર્મી સામે આ રીતે ભીડાઈ ગઈ હતી. હકીકત એ છે કે માર્ગો પર વિરોધપ્રદર્શન માટે ઊતરી આવેલા હજારો લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો બિલકુલ અભાવ જોવા મળતો હતો. કોરોના માટે આ મોકળું મેદાન સાબિત થઈ શકે છે.
બ્રિટિશરોને હવે બખ્ખા





યુરોપનો મોટો હિસ્સો એવો છે જેમાં સામેલ અનેક દેશોમાં કોરોનાને કારણે લોકડાઉન જારી છે પરંતુ હવે બ્રિટિશરો હવે મુક્તિની મજા માણી રહ્યા છે. બ્રિટન 97 દિવસ બાદ ફરી ધબકતું થવા લાગ્યું છે. વિશ્વનું સૌથી મોટું અને કડક લૉકડાઉન સોમવારથી અનલૉક થવાનું શરૂ થઇ ગયું. કોરોના બેકાબૂ થતાં અહીં 5 જાન્યુ.થી લૉકડાઉન શરૂ થયું હતું. આમ તો ડિસેમ્બરથી જ બ્રિટનમાં ઘણા પ્રતિબંધ લાદી દેવાયા હતા. હવે ફરી મહિનાઓ બાદ સેંકડો જિમ, હેર સલૂન તથા રિટેલ સ્ટોર ખૂલી ગયાં છે. પૂર્વનિર્ધારિત યોજના મુજબ 21 જૂનથી લૉકડાઉન સંપૂર્ણપણે હટાવી લેવાશે. નિષ્ણાતોના કહેવા મુજબ 4 જાન્યુ.એ જોહન્સને નવા પ્રતિબંધો જાહેર કર્યા ત્યારે કયું સેક્ટર ક્યાં સુધી બંધ રહેશે એની દરેક બાબત સ્પષ્ટ હતી. તેથી લોકોમાં અફરાતફરી ન મચી. બ્રિટને એક તરફ લૉકડાઉન અને બીજી તરફ ઝડપી વેક્સિનેશન ચલાવી કોરોના પર કાબૂ મેળવી લીધો, જ્યારે યુરોપ ધીમા રસીકરણ અને લૉકડાઉનમાં વિલંબને કારણે કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યું છે.
તુર્કીમાં ‘વાનઘર’ની બોલબાલા
તુર્કીમાં હોમ ઓન વ્હીલ અર્થાત કેરાવેનની માગ 80 ટકા સુધી વધી છે. કોરોનાકાળમાં લોકો એકલા ફરવાનું પસંદ કરી રહ્યા છે, જેથી પોતાને સરળતાથી આઈસોલેટ કરી શકે તેમજ આઈસોલેશન દરમિયાન તેઓ ફરવા પણ જઈ શકે છે. તેની ખાસિયત આ છે કે 8 ફૂટ લંબાઈ અને 4 ફૂટ પહોળાઈ ધરાવતી કેરાવેનમાં બે લોકો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં બેડ, કિચન, સોફા, રૂફટોપ સહિત તમામ સુવિધાઓ છે, જેની કિંમત રૂ. 5.51 લાખ છે. આ ખાસિયતોને પગલે તેની માગ સતત વધી રહી છે. માત્ર તુર્કી જ નહીં વિશ્વના 25 દેશોમાં કેરાવેનની નિકાસ થઈ રહી છે.
સામાજિક અંતર રાખીને ખુદાની બંદગી

ઈન્ડોનેશિયામાં મસ્જિદો ફરી ખોલવામાં આવી છે. પવિત્ર રમઝાન મહિનામાં મુસ્લિમ બિરાદરો કોરોના મહામારીના લીધે સામાજિક અંતર રાખીને નમાઝ અદા કરી રહ્યા છે.