વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચોથી વાર બ્રિટનની મુલાકાત માટે રવાના થશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે ટ્રેડ અને અન્ય મુદ્દે વિશેષ રહેશે.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે ૨૩ થી ૨૪ જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે. આ તેમની ચોથી મુલાકાત હશે. અને મુલાકાતમાં મુક્ત વેપાર કરાર (મુક્ત વેપાર)(એફટીએ) ને ફાઈનલ સ્વરૂપ આપવામાં આવશે તો સાથે જ ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે જેમાં ખાલિસ્તાન જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.
વિક્રમ મિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તેમની બ્રિટનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ચર્ચા કરશે તો સાથે તેઓ કિંગ ચાર્લ્સ ને પણ મળશે. આ ઉપરાંત ભારત અને બ્રિટન બંનેના વેપાર લક્ષી આગેવાનો સાથે પણ મુલાકાત કરીને ચર્ચા વિચારણા કરશે. બંને દેશો વ્યાપક રણનૈતિક ભાગીદારીની પ્રગતિ પર પણ ચર્ચા કરશે અને વેપાર, અર્થતંત્ર, ટેકનોલોજી, આવિષ્કાર, સુરક્ષા, જળવાયુ પરિવર્તન,હેલ્થ અને એજ્યુકેશન વગેરે મુદ્દે ચર્ચા કરશે. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીની આ બ્રિટનની ચોથી મુલાકાત હશે.
બંને દેશના વડાપ્રધાન ૨૪ જુલાઈના રોજ મુક્ત વેપાર કરાર એટલે કે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે. આ પ્રસંગે લંડનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર રહેશે. વેપાર કરારમાં ચામડા, ફૂટવેર અને કપડાં જેવા શ્રમ-પ્રધાન ઉત્પાદનોની નિકાસ પરનો ટેક્સ દૂર કરવાના પ્રસ્તાવનો સમાવેશ થાય છે. સાથે જ બ્રિટનથી વ્હિસ્કી અને કારની આયાત પણ સસ્તી કરવામાં આવે તેવી રજૂઆત થશે. જેથી ૨૦૩૦ સુધીમાં બંને અર્થતંત્ર વચ્ચેનો વેપાર બમણો થઈને ૧૨૦ બિલિયન ડોલર થઈ શકે.
કુલ ૩૬ અરબ ડોલરના એફડીઆઈ સાથે ભારતમાં બ્રિટનએ છઠ્ઠું સૌથી મોટું રોકાણકાર છે. અને મુખ્ય વાત એ છે કે ભારત પણ યુકેમાં એક મુખ્ય રોકાણકાર છે. જેનું રોકાણ કુલ ૨૦ અરબ ડોલર છે. વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી તેમના બ્રિટિશ સમકક્ષ સાથે ભારત-યુકે દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્ર પર વ્યાપક ચર્ચા કરશે. ભાગેડુ અપરાધિઓ વિશે તેમણે કહ્યું કે “અમે એકબીજાના સંપર્કમાં છીએ. તહવ્વુર રાણા જેવા અન્ય લોકોનું કેવી રીતે પ્રત્યાર્પણ કરી શકાય તે અંગે પણ ચર્ચા થશે.”
વડાપ્રધાન મોદી છેલ્લા એક વર્ષમાં બે વાર બ્રિટિનના વડાપ્રધાન કીર સ્ટારમરને મળ્યા છે. તેઓ નવેમ્બર ૨૦૨૪ માં બ્રાઝિલમાં જી – ૨૦ સમિટ દરમિયાન અને પછી જૂન ૨૦૨૫ માં જી – ૭ સમિટ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઘણી ટેલિફોનિક વાતચીત પણ થઈ હતી.
બ્રિટનની મુલાકાત પતાવ્યા બાદ નરેન્દ્ર મોદી માલદીવની સત્તાવાર મુલાકાતે જશે. જે ૨૫-૨૬ જુલાઈ ૨૦૨૫ દરમિયાન રહેશે. વડાપ્રધાન મોદી માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મોઇઝુના આમંત્રણ પર માલદીવ જઈ રહ્યા છે. વડાપ્રધાનની માલદીવની આ ત્રીજી મુલાકાત હશે. માલદીવમાં રાષ્ટ્રપતિ મોઇઝુએ સત્તા સંભાળ્યા પછી પીએમ મોદીની માલદીવની આ મુલાકાત કોઈ વિદેશી રાજ્યના વડાની પ્રથમ મુલાકાત હશે.