ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત એવું બનશે કે બીસીસીઆઈ ને હવે સરકારના કાયદા મુજબ ચલાવવું પડશે. શું ખરેખર હવે ભારતનું સૌથી શક્તિશાળી ક્રિકેટ બોર્ડ સરકારના નિયંત્રણ હેઠળ આવી જશે?

ભારત સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા નવા રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ ૨૦૨૫ માં મોટો ઐતિહાસિક બદલાવ આવી શકે છે. રમતગમત મંત્રાલયના સૂત્રો અનુસાર, ૨૩ જુલાઈ ૨૦૨૫ ના રોજ સંસદમાં રજૂ થનારા આ બિલમાં હવે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (બીસીસીઆઈ) ને પણ સામેલ કરવામાં આવશે. અત્યાર સુધી બીસીસીઆઈ એક ખાનગી સંસ્થા તરીકે કાર્યરત રહી છે, જે કોઈ સરકારી સહાય લેતા નથી. પરંતુ, આ બિલ કાયદો બન્યા પછી બીસીસીઆઈ ને પણ દેશના કાયદાનું પાલન કરવું ફરજિયાત રહેશે

આ નિર્ણયનું મુખ્ય કારણ એ છે કે ૨૦૨૮ ના લોસ એન્જલસ ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ થવાની જાહેરાત થઈ છે. એટલે હવેબીસીસીઆઈ ઓલિમ્પિકમાં ભાગ બની ગયું છે. જેના કારણે, બીસીસીઆઈ ને પણ નેશનલ ગેમમાં પ્રક્રિયાઓ, ચૂંટણી અને વહીવટમાં પારદર્શિતા રાખવી ફરજિયાત થશે.

બીસીસીઆઈ ને લાગુ થનાર રાષ્ટ્રીય રમતગમત શાસન બિલમાં કુલ ૧૦ મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે – જેમ કે સમયસર ચૂંટણી, જવાબદારી, અને રમતવિજેતાની સુરક્ષા. હવે બીસીસીઆઈને ચૂંટણીની પ્રક્રિયા, પસંદગીના માપદંડો, ટ્રાયલના પરિણામો જાહેર કરવા, રમતવીરો માટે સલામત વાતાવરણ જાળવવા અને મહિલા સુરક્ષા કાયદાનું પણ કડક પાલન કરવું પડશે.
ડોપિંગ અને ઉંમરની હેરફેર સામે કડક પગલાં, હિતોના સંઘર્ષથી દૂર રહેવા માટે સ્પષ્ટ નિયમો અને ફાસ્ટ ટ્રેક વિવાદ નિવારણ પદ્ધતિઓ પણ લાગુ પડશે. બીસીસીઆઈ હવે રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન (એનએસએફ) સમાન સ્થાન ધરાવતું માનીને તેના પર મંત્રાલયના તમામ નિયમો લાગુ થશે.