અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું હોવાનો અને યુદ્ધમાં પાંચ ફાઈટર જેટ્ય તૂટ્યા હોવાનો ફરી દાવો કર્યો છે. તેમણે વ્હાઈટ હાઉસમાં મંગળવાર એ યોજાયેલ એક કાર્યક્રમમાં કહ્યું કે, બંને દેશો વચ્ચે ખૂબ તણાવ વધી ગયો હતો. મેં યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો અને તેને અટકાવવામાં સફળ થયો. તે વખતે બંને દેશો વચ્ચે ગંભીર સ્થિતિ ઉભી થઈ ગઈ હતી, પાંચ ફાઈટર જેટ તૂટી ગયા હતા અને કોઈપણ સમયે પરમાણુ હથિયારનો ઉપયોગ થવાનો હતો.’
ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૦ મે-૨૦૨૫ ના રોજ સીઝફાયર થયું ત્યારે ટ્રમ્પે પહેલીવાર યુદ્ધવિરામ કરાવ્યું હોવાનો દાવો કર્યો હતો. અમેરિકન પ્રમુખે છેલ્લા ૭૩ દિવસમાં ૨૫ વખત યુદ્ધ ખતમ કરાવ્યું હોવાનો દાવો કરી ચુક્યા છે. જોકે દર વખતની જેમ ભારતે પણ ટ્રમ્પના દાવાને ફગાવી દીધા છે. ટ્રમ્પે બીજી વખત કહ્યું કે, ‘ભારત-પાકિસ્તાન ઘર્ષણમાં પાંચ ફાઈટર જેટ તૂટી ગયા હતા. મેં બંને દેશોના નેતાઓને ફોન કર્યો અને ચેતવણી આપી હતી કે, જો લડાઈ નહીં અટકાવો તો અમેરિકા વેપાર અટકાવી દેશે. તે બંને દેશો પાસે પરમાણુ હથિયારો છે. કોણ જાણે શું પરિણામ આવ્યું હોત, પણ મેં તેને અટકાવી દીધું છે. મેં એક વખત નહીં ઘણીવાત તેઓ સાથે વાતચીત કરી છે.’
ટ્રમ્પ ભારત-પાકિસ્તાન ઘર્ષણ ને લઈ અનેક વખત દાવો કરી ચુક્યા છે. આ પહેલા તેમણે શુક્રવારે કહ્યું હતું કે, ‘ભારતના ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાને ભારતીય ફાઈટર જેટ તોડી પાડ્યા હતા. તેમણે આ જ મહિને વ્હાઈટ હાઉસમાં યોજાયેલ ડિનર પાર્ટીમાં કહ્યું હતું કે, ‘ભારત-પાકિસ્તાન એકબીજા પર હુમલા કરી રહ્યા હતા અને ચાર-પાંચ વિમાનો હવામાં જ તોડી પડાયા હતા. ૫, ૫, ૪ અથવા ૫, મને લાગે છે કે, પાંચ વિમાનો તોડી પાડ્યા હતા.’
સમાચાર એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોએ ટાંકીને કહ્યું હતું કે, ‘ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનના છ ફાઈટર જેટ, ત્રણ એરક્રાફ્ટ અને ૧૦ થી વધુ ડ્રોન અને ક્રૂઝ મિસાઈલો તોડી પાડી હતી. ભારતે ૬ થી ૧૦ મે દરમિયાન પાકિસ્તાનના પંજાબ અને પીઓકે માં આતંકવાદીઓને ઠેકાણાઓ પર હુમલો કર્યા, ત્યારબાદ પાકિસ્તાને પણ જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ભારતે માત્ર વળતો જવાબ જ નહીં, પરંતુ પાકિસ્તાનને પણ ઘણું નુકસાન પહોંચાડ્યું છે.
