ક્રિકેટ લવર્સ માટે એક સારા સમાચાર છે. આ સારા સમાચાર આ વર્ષે યોજાનાર એશિયા કપ ૨૦૨૫ વિશે છે. ક્રિકેટમાં મીનીકુંભ એટલે કે એશિયા કપની તારીખ જાહેર કરવામાં આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ શનિવારે જાહેરાત કરી કે એશિયા કપની ૨૦૨૫ આવૃત્તિ ૯ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાતમાં યોજાશે. ટી-૨૦ ફોર્મેટમાં રમાનારી આ ખંડીય સ્પર્ધામાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન સહિત આઠ ટીમો ભાગ લેશે.

એશિયા કપ ૨૦૨૫ ક્યાં રમાશે?
ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો ફરી એકવાર આ બંને ટીમો વચ્ચેની હાઇ વોલ્ટેજ મેચ જોઈ શકશે. આ મેચો આ વર્ષે એશિયા કપમાં રમાશે. આ દરમિયાન, એશિયા કપની તારીખો અંગે એક મોટો ખુલાસો થયો છે. આ ટુર્નામેન્ટ આ વર્ષે ૯ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યુએઈમાં રમાશે.
આ ૮ ટીમો ક્રિકેટ એશિયા કપ ૨૦૨૫ માં રમશે
૨૦૨૫ માં યોજાવાનો પુરુષ એશિયા કપ ટુર્નામેન્ટનો ૧૭ મી આવૃત્તિ હશે. જેમાં કુલ ૮ ટીમો તેમાં ભાગ લેશે.
- ભારત
- અફઘાનિસ્તાન
- બાંગ્લાદેશ
- પાકિસ્તાન
- શ્રીલંકા
- UAE
- ઓમાન
- હોંગકોંગ
એશિયા કપ ૨૦૨૫ નું ફોર્મેટ
૮ ટીમોને ૪ – ૪ ના ગ્રુપમાં વહેંચવામાં આવશે. રિપોર્ટ મુજબ, ભારત અને પાકિસ્તાનની ટીમોને એક જ ગ્રુપમાં સમાવવામાં આવી શકે છે. દરેક ગ્રુપની ટોચની ૨ ટીમો સુપર ૪ સ્ટેજ માટે ક્વોલિફાય થશે અને બાકીની ૨ ટીમો બહાર થઈ જશે. સુપર ૪ ની ટોચની ૨ ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાશે.
ભારતે કેટલા એશિયા કપ જીત્યા છે?
ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપમાં સૌથી સફળ ટીમ છે, જેણે ૧૬ સીઝનમાંથી આઠ વખત ટાઇટલ જીત્યું છે. ભારતે ટુર્નામેન્ટની પ્રથમ પાંચ સીઝનમાંથી ચાર જીતી છે અને ૧૯૮૮ થી ૧૯૯૫ વચ્ચે સતત ત્રણ વખત એશિયા કપ ટાઇટલ જીતનાર એકમાત્ર ટીમ પણ છે.
શું વિરાટ કોહલી ૨૦૨૫ નો એશિયા કપ રમશે?
વિરાટ કોહલી અને રોહિત શર્મા આ ટુર્નામેન્ટમાં રમશે નહીં કારણ કે એશિયાકપ ટી-૨૦ ફોર્મેટમાં રમાઈ રહ્યો છે અને બંને દિગ્ગજો ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.