સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન લોકસભામાં અનુકરણીય પ્રદર્શન કરનારા ૧૭ સાંસદોનું ‘સંસદ રત્ન’થી સન્માન કરવામાં આવશે. યાદીમાં એનસીપી-એસપીના નેતા સુપ્રિયા સુલે, ભાજપ સાંસદ રવિ કિશન, ભાજપના નિશિકાંત દુબે, શિવસેના યુબીટીના અરવિંદ સાવંત સહિત ૧૭ સાંસદોના નામ સામેલ છે. ચોંકાવનારી વાત એ છે કે, યાદીમાં ગુજરાતમાંથી એક પણ સાંસદનું નામ નથી. સંસદ રત્ન પુરસ્કાર માટે સંસદસભ્યોની પસંદગી એક જ્યુરી કમિટી દ્વારા કરવામાં આવે છે, જે પારદર્શક માપદંડો પર આધારિત હોય છે.
‘સંસદ રત્ન’ સન્માનમાં ચાર વિશેષ જૂરી પુરસ્કાર પણ સામેલ છે, જેમણે સંસદની લોકશાહીમાં સતત ત્રણ કાર્યકાળ સુધઈ યોગદાન આપ્યું છે. આ વિશેષ પ્રસ્કારમાં ભાજપના ભર્તુહરી મહતાબ, કેરળની રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટીના એન.કે.પ્રેમચંદ્રન, મહારાષ્ટ્ર એનસીપી-એસપીના સાંસદ સુપ્રિયા સુલે, શિવસેનાના સાંસદ શ્રીરંગ અપ્પા બારણેનું નામ સામેલ છે.

આ તમામ સાંસદોએ ૧૬ મી લોકસભા બાદ અનુકરણીય પ્રદર્શન કર્યું
- ભર્તૃહરી મહતાબ – ભાજપ, ઓડિશા
- એન. કે. પ્રેમચંદ્રન- RSP, કેરળ
- સુપ્રિયા સુલે- NCP SP, મહારાષ્ટ્ર
- શ્રીરંગ આપ્પા બારણે- શિવસેના, મહારાષ્ટ્ર
- સ્મિતા વાઘ- ભાજપ, મહારાષ્ટ્ર
- અરવિંદ સાવંત- શિવસેના યુબિટી, મહારાષ્ટ્ર
- નરેશ મહસકે- શિવસેના, મહારાષ્ટ્ર
- ગાયકવાડ વર્ષા એકનાથ- કોંગ્રેસ, મહારાષ્ટ્ર
- મેધા કુલકર્ણી- ભાજપ, મહારાષ્ટ્ર
- પ્રવીણ પટેલ- ભાજપ, ઉત્તર પ્રદેશ
- રવિ કિશન- ભાજપ, ઉત્તર પ્રદેશ
- નિશિકાંત દુબે- ભાજપ, ઝારખંડ
- વિદ્યુત બરન મહતો- ભાજપ, ઝારખંડ
- પી. પી. ચૌધરી- ભાજપ, રાજસ્થાન
- મદન રાઠોડ- ભાજપ, રાજસ્થાન
- સી. એન. અન્નાદુરૈ- DMK, તમિલનાડુ
- દિલીપ સાઇકિયા- ભાજપ, આસામ
૨૦૧૦ માં થઈ હતી ‘સંસદ રત્ન’ની શરૂઆત
સંસદ રત્ન પુરસ્કાર ભારતીય સંસદસભ્યોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારની શરૂઆત પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામની પ્રેરણાથી થઈ હતી. આ પુરસ્કારની સ્થાપના ૨૦૧૦ માં થઈ હતી. ડો. કલામે સૂચવ્યું હતું કે, જે સંસદસભ્યો સંસદની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લે છે અને તેમનું પ્રદર્શન ઉત્કૃષ્ટ હોય તેમને સન્માનિત કરવા જોઈએ. તેમનો મુખ્ય વિચાર એ હતો કે આવા સંસદસભ્યોને પ્રોત્સાહિત કરવાથી અન્ય લોકો પણ વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરાશે.