કંબોડિયા-થાઈલેન્ડના યુદ્ધમાં હવે અમેરિકાની એન્ટ્રી થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને ટેલિફોન કરીને મધ્યસ્થા માટે વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, બંને દેશોના યુદ્ધમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે, તેથી યુદ્ધ અટકાવી દેવું જોઈએ. આ યુદ્ધે મને ભારત-પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણની યાદ અપાવી દીધી છે, જેને મેં સફળતાપૂર્વક અટકાવી દીધું હતું.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘થાઈલેન્ડ સાથે ચાલી રહેલું યુદ્ધ અટકાવી શકાય તે માટે મેં હાલમાં જ કંબોડિયાના વડાપ્રધાન સાથે વાત કરી છે. સંયોગથી અમે બંને દેશો સાથે વેપાર સમજૂતી પર વાત કરી રહ્યા છીએ, તેથી હું સ્પષ્ટ કહું છું કે, જો બંને દેશો યુદ્ધ અટકાવશે નહીં તો અમે કોઈની સાથે સમજૂતી કરીશું નહીં. હું બંને દેશોની જટિલ પરિસ્થિતિને સરળ બનાવાવનો પ્રયાસ કરી રહ્યો છું.
ટ્રમ્પે કહ્યું કે, ‘મારી અને થાઈલેન્ડના કાર્યકારી વડાપ્રધાન વચ્ચે સારી ટેલિફોનિક વાત થઈ છે. થાઈલેન્ડ પણ કંબોડિયાની જેમ તાત્કાલીક યુદ્ધવિરામ અને શાંતિ સ્થાપવા ઈચ્છે છે. હવે હું આ સંદેશ કંબોડિયાના વડાપ્રધાનને મોકલીશ. બંને દેશો સાથે વાત કર્યા બાદ સ્પષ્ટ થયું છે કે, યુદ્ધવિરામ, શાંતિ અને સમૃદ્ધિ જ એકમાત્ર રસ્તો છે. આપણે આવનારા દિવસોમાં બધુ જ જોઈશું.’
થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. ૨૪ જુલાઈના રોજ બંને દેશો સરહદ પદ એકબીજાના વિરોધમાં આવી ગયા બાદ સામસામે ભયાનક હુમલાઓ કરી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયા છે. બંને દેશોએ સરહદ પર ટેન્કો અને હથિયારો પણ તહેનાત કરીને રાખ્યા છે. બંને તરફી આક્રમક વલણ બાદ કંબોડિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં સિઝફાયરની માંગ કરી છે. બીજીતરફ બંને દેશો આસિયાનના સભ્યો હોવાથી મલેશિયાએ યુદ્ધ અટકાવવા માટેના તમામ પ્રયાસ શરૂ કરી દીધા છે.
શુક્રવારે થાઈલેન્ડે કંબોડિયાની બોર્ડર પર આવેલા 8 જિલ્લાઓમાં માર્શલ લો જાહેર કરી દીધું છે. થાઈલેન્ડના એક આર્મી કમાન્ડરે કહ્યું છે કે, કંબોડિયા દ્વારા બળપ્રયોગ કરી થાઈ વિસ્તારમાં ઘુસવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જણાવી દઈએ કે, યુએનના સિક્યોરિટી કાઉન્સિલમાં આ સંઘર્ષ પર એક ઈમરજન્સી મીટિંગ પણ થઈ છે.
૨૪મી જુલાઈ બંને દેશો વચ્ચે ઘર્ષણના એક દિવસ પહેલા થાઈલેન્ડે કંબોડિયાથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ત્યારબાદ સરહદ પર લેન્ડમાઇન વિસ્ફોટમાં એક થાઈ સૈનિક ઘાયલ થયો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો અને થાઈલેન્ડે પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં બંને દેશો વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષમાં એક કંબોડિયાના સૈનિકનું મોત થયું હતું અને તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધમાં તણાવ આવી ગયો હતો. ગત મહિને બંને દેશોએ એકબીજા પર કડક પ્રતિબંધો લગાવ્યા અને સરહદ પર સૈનિકોની સ્થિતિ વધારી દીધી.