ગિલ પછી જાડેજા-વૉશિંગ્ટનની પણ યાદગાર સેન્ચુરી.
અહીં ઑલ્ડ ટ્રેફર્ડના ઇતિહાસમાં ભારતીયો ઇંગ્લૅન્ડ સામે અગાઉ ક્યારેય ટેસ્ટ નહોતા જીત્યા અને ગઈ કાલે પણ ન જીતી શક્યા, પરંતુ શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ના બૅટ્સમેનોએ જે અસરદાર લડત બતાવી અને ચોથી ટેસ્ટ ડ્રૉ કરાવી એ ભારત માટે એક રીતે વિજય જ કહેવાય, કારણકે ૩૧૧ રનની સરસાઈ લીધા પછી પણ બ્રિટિશરો ભારતને બાકીના દોઢ દિવસમાં હરાવી ન શક્યા. ઊલટાનું, ભારતીય ટીમે સેકન્ડ ઇનિંગ્સમાં લીડ ઊતર્યા બાદ બીજા ૧૧૪ રન બનાવીને દેશની આબરૂ સાચવી હતી.
જબરદસ્ત ફાઇટિંગ સ્પિરિટવાળા રવીન્દ્ર જાડેજા (૧૦૭ અણનમ, ૧૮૫ બૉલ, ૨૧૮ મિનિટ, એક સિક્સર, તેર ફોર) તેમ જ વૉશિંગ્ટન સુંદર (૧૦૧ નૉટઆઉટ, ૨૦૬ બૉલ, ૨૯૮ મિનિટ, એક સિક્સર, નવ ફોર)ની જોડીએ ૩૩૪ બૉલમાં ૨૦૩ રનની અતૂટ ભાગીદારી કરીને બ્રિટિશરોને વિજયથી વંચિત રાખ્યા હતા.

બન્ને ટીમના કૅપ્ટનો રમતના અંતની લગભગ એક કલાક પહેલાં ડ્રૉ માટે સહમત થયા ત્યારે ભારતનો બીજા દાવનો સ્કોર ૪/૪૨૫ હતો જે રન તેમણે ૧૪૩ ઓવરમાં બનાવ્યા હતા.