જનતા દળના સસ્પેન્ડેડ નેતા અને ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના દુષ્કર્મ અને જાતીય શોષણના કેસમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬(૨)(કે) હેઠળ તેમને દોષિત ઠેરવીને આ સજા સંભળાવી છે. આ સાથે જ પ્રજ્વલ રેવન્ના પર ૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
શું હતો આ સમગ્ર કેસ?
કેસની વાત કરવામાં આવે તો, લોકસભાની ચૂંટણી પહેલા એપ્રિલ મહિનામાં પ્રજ્વલ રેવન્નાના અશ્લીલ વીડિયો એક પેન ડ્રાઇવથી લીક થઇ ગયા હતાં. બાદમાં એવું જાણવા મળ્યું કે પ્રજ્વલ રેવન્ના બળજબરીથી અનેક મહિલાઓનું જાતીય શોષણ કર્યું હતું. આ મુદ્દાના કારણે કર્ણાટકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ગત વર્ષે ૩૧ મી મેના રોજ તેમની ધરપકડ કરવામાં આવી અને જનતા દળે રેવન્નાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતાં.
પ્રજ્વલ રેવન્ના સામે કોણે ફરિયાદ નોંધાવી હતી?
પ્રજ્વલ રેવન્ના સામે હસન જિલ્લાના હોલેનરાસીપુરામાં ગન્નીકડા ફાર્મહાઉસમાં કામ કરતી ૪૮ વર્ષીય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ માહિલાએ આરોપ લગાવ્યો હતો કે, ૨૦૨૧ માં પ્રજ્વલ રેવન્નાએ તેના પર બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં પરંતુ તેનો વીડીયો પણ બનાવ્યો હતો. તે કેસમાં પ્રજ્વલ રેવન્ના દોષિત સાબિત થયા છે અને કોર્ટે સજા ફટકારી છે. મહત્વની વાત એ પણ છે કે, પ્રજ્વલ રેવન્ના સામે અન્ય ચાર કેસ પણ નોંધાયા છે. આ કેસોની તપાસ માટે એક સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમની પણ રચના કરવામાં આવી છે.