ખાલિસ્તાનીઓને સમર્થન અને ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નીજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાના આક્ષેપ મુદ્દે ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સમયમાં કેનેડા અને ભારતના સંબંધો એકદમ તળીયે ગયા હતા. જોકે, માર્ક કાર્ની સરકારે ભારત સાથે સંબંધો સુધારાવાની શરૂઆત કરી છે, જેને પગલે સરકારે વર્ષ ૨૦૨૫ માટે પીજીપી પ્રોગ્રામ ખોલ્યો છે, જેના હેઠળ કેનેડામાં રહેતા ભારતીય મૂળના કેનેડિયનો અથવા સ્થાયી નિવાસી ભારતીયોને તેમના માતા-પિતા અથવા દાદા-દાદીને કેનેડા બોલાવવાની તક મળશે.
કેનેડામાં રહેતા ભારતીયો તેમના પરિવારજનોને કેનેડા લાવવા માગતા હોય તો માર્ક કાર્ની સરકારે તેમને ખૂબ જ સારી તક આપી છે. કાર્ની સરકારે વિદેશી નાગરિકો માટે માતા-પિતા અને દાદા-દાદીને કેનેડા લાવવાનો કાર્યક્રમ પીજીપી ખોલી દીધો છે. આ કાર્યક્રમ હેઠળ 17860 લોકોને તેમના માતા-પિતા, દાદા-દાદીને કેનેડા લાવીને કાયમી નિવાસની તક અપાશે. કાર્ની સરકારે 28 જુલાઈથી આ કાર્યક્રમ શરૂ કર્યો છે.
ઈમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશીપ કેનેડા (આઈઆરસીસી)એ સ્થાનિક રહેવાસીઓ અને તેમના માતા-પિતા અથવા દાદા-દાદીને સ્પોન્સર કરવા ઈચ્છુક કેનેડિયન નાગરિકોને અરજી મોકલવાનું શરૂ કરી દીધું છે. આ પ્રોગ્રામ હેઠળ અરજી જમા કરવાની અંતિમ તારીખ ૯ ઑક્ટોબર છે.
આઈઆરસીસી વર્ષ ૨૦૨૦ માં સ્પોન્સર માટે રસ દાખવ્યો હોય તેવા લોકો તેમજ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ વચ્ચે આમંત્રણ મેળવ્યું ના હોય તેવા લોકોને જ આમંત્રણ મોકલશે. વિભાગ પસંદગીના પૂલમાંથી અંદાજે ૧૭૮૬૦ અરજીઓને મંજૂર કરશે. પીજીપી કેનેડિયન નાગરિકો, સ્થાયી રહેવાસીઓ અને રજિસ્ટર્ડ ભારતીયોના માતા-પિતા અને દાદા-દાદી માટે સ્થાયી નિવાસનો માર્ગ ખોલે છે. કેનેડા સરકારે કહ્યું છે કે આગામી બે સપ્તાહમાં આઈઆરસીસીના વર્ષ ૨૦૨૦ના પૂલમાંથી અરજી કરવા માટે ૧૭૮૬૦ નિમંત્રણ જાહેર કરાશે. તેના માટે પસંદગી પામેલા લોકોનો ઈ-મેલના માધ્યમથી સંપર્ક કરાશે અને તેમને સ્થાયી નિવાસ પોર્ટલનો ઉપયોગ કરીને તેમની અરજી ઓનલાઈન જમા કરવાની રહેશે.
સ્પોન્સર અને તેમના માતા-પિતા અથવા દાદા-દાદી બંનેએ અલગ અલગ અરજી ભરવાની રહેશે. સ્પોન્સરની અરજી સ્પોન્સર તરફથી ભરવાની રહેશે જ્યારે સ્થાયી નિવાસ અરજી જેમને સ્પોન્સર કરવાના હોય તે માતા-પિતા અથવા દાદા-દાદી તરફથી ભરવામાં આવશે. આઈઆરસીસી મુજબ બંને અરજી સાથે ઓનલાઈન જમા કરવાની રહેશે. પ્રત્યેક વ્યક્તિ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. અરજદારોએ કુલ ૧૨૦૫ કેનેડિયન ડોલર અંદાજે રૂ. ૭૬,૦૦૦ નો સરકારી ચાર્જ ભરવાનો રહે છે.