કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીએસપી ના પ્રમુખ શરદ પવારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘વિધાનસભા ચૂંટણી પહેલા મને એક વ્યક્તિએ ૨૮૮ બેઠકોમાંથી ૧૬૦ બેઠકો જીતી આપવાની ખાતરી આપી હતી.
‘મને યાદ છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બે લોકો દિલ્હીમાં મને મળવા આવ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે, અમે મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી તમને ૧૬૦ બેઠકો જીતી આપવાની ગેરેટી આપીએ છીએ. હું હેરાન હતો, સાચું કહું તો મને ચૂંટણી પંચ પર કોઈ આશંકા નહોતી. ત્યાર બાદ મેં તે લોકો અને રાહુલ ગાંધી સાથે બેઠક યોજવાનો નિર્ણય કર્યો હતો. તેઓ જે કંઈપણ કહેવા માગતા હતા, તે રાહુલ ગાંધી સામે કહ્યું. પછી રાહુલ ગાંધી અને મેં તેમની વાત પર ધ્યાન ન આપ્યું, આ અમારો રસ્તો નથી.’
રાહુલ ગાંધીએ ઘણા સમયથી ચૂંટણી પંચ પર અનેક આક્ષેપ કરી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચ પર બનાવટી સરનામું, ઈલેક્ટ્રોનિક ડેટા ન આપવાનો, મતદાર યાદીમાં ગોટાળા, મતદાન ટકાવારીમાં અચાનક વધારો થવાનો, ભાજપની મદદ કરવાનો અને બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાના અનેક આક્ષેપ કર્યા હતાં, તો ચૂંટણી પંચે પણ રાહુલ ગાંધીના તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ ગઈકાલે કહ્યું હતું કે, ‘પહેલા લોકસભાની ચૂંટણી થઈ, પછી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી યોજાઈ. અમારું ગઠબંધન લોકસભામાં ભારે બેઠકો સાથે જીત્યું હતું, પરંતુ ચાર મહિના બાદ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીતી ગઈ. આ ખૂબ જ ચોંકાવનારી વાત છે. અમે તપાસ કરી તો ખબર પડી કે, વિધાનસભા ચૂંટણીમાં નવા એક કરોડ મતદારોએ મતદાન કર્યું છે. આ નવા મતદારો જ્યાં પણ આવ્યા, ત્યાં ભાજપે જીત મેળવી છે. અમને મળેલા મતોમાં ઘટાડો થયો નથી, પરંતુ નવા મતદારોના મત ભાજપના ખાતામાં ગયા છે. તે દિવસે અમને સમજાયું કે, દાળમાં કંઈક કાળું છે.’
