દેશના રેલવે યાત્રિકો માટે સારા સમાચાર આવ્યા છે. રેલવેએ મુસાફરો માટે રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ રિટર્ન જર્નીવાળી મુસાફરી પર ૨૦% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ યોજના હાલ એક્સપેરિમેન્ટલ બેસિસ પર લાગુ કરવામાં આવશે, જેથી કરીને તેની અસર અને મુસાફરોની પ્રતિક્રિયાનું મૂલ્યાંકન કરી શકાય.

રેલવેએ તહેવારોની સીઝન દરમિયાન ભીડ મેનેજ કરવા અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ‘રાઉન્ડ ટ્રીપ પેકેજ’ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, નિર્ધારિત સમય મર્યાદામાં રિટર્ન જર્ની ટિકિટ એટલે કે આવવા જવાની ટિકિટ એકસાથે બુક કરાવનારા મુસાફરોને રિટર્ન ટિકિટના મૂળ ભાડા પર ૨૦ % ડિસ્કાઉન્ટ મળશે.

આ યોજના ૧૪ ઓગસ્ટ ૨૦૨૫ થી શરૂ થશે. જે હેઠળ પ્રથમ યાત્રા (ઓનવર્ડ જર્ની) માટે ટિકિટ ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ થી ૨૬ ઓક્ટોબર ૨૦૨૫ વચ્ચેની તારીખ માટે બુક કરાવવાની રહેશે. ત્યારપછી ‘કનેક્ટિંગ જર્ની ફીચર’ દ્વારા ૧૭ નવેમ્બર ૨૦૨૫ થી ૧ ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચેની તારીખ માટે રિટર્ન (રીટર્ન જર્ની) ટિકિટ બુક કરાવી શકાશે.
આ યોજનામાં ડિસ્કાઉન્ટ ફક્ત ત્યારે જ આપવામાં આવશે જો બંને બાજુની ટિકિટ એક જ મુસાફરના નામે કન્ફર્મ થશે. રિટર્ન ટિકિટ બુક કરાવવા માટે એડવાન્સ રિઝર્વેશન સમયગાળો લાગુ નહીં થાય. રિટર્ન મુસાફરીના બેઝ ફેરમાં જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રેલવેએ જણાવ્યું હતું કે આ યોજના હાલમાં પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવી છે, જેથી તહેવારો દરમિયાન બંને બાજુ ટ્રેનોનું વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય.