અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશોને જંગી ટેરિફની ધમકીઓ આપવાનું શરૂ કર્યા બાદ વેપાર સોદા માટે સૌથી પહેલાં ભારત સાથે વાટાઘાટો શરૂ કરી હતી. ભારતે વેપાર સોદામાં કૃષિ અને ડેરી ઉદ્યોગ ખોલવાનો ઈનકાર કરી અમેરિકાને શરણે ના થતા ટ્રમ્પનો અહંકાર ઘવાયો છે, જેના કારણે અમેરિકન પ્રમુખે ભારતને પરેશાન કરવા માટે હવે પાકિસ્તાન અને તેના ફિલ્ડ માર્શલ આસીમ મુનીરને પોતાના પડખે લીધા છે, જે આખી દુનિયાને જોખમમાં મૂકી શકે છે. આની સાબિત દુનિયાને રવિવારે મળી ગઈ છે. પાકિસ્તાની આર્મી ચીફ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપતા કહ્યું છે, અમે તો ડૂબીશું, અડધી દુનિયાને સાથે લઈને ડૂબીશું. બીજીબાજુ ટ્રમ્પે પણ ભારત પર ટેરિફ વધારવાની સાથે પાકિસ્તાન પર ટેરિફ ઘટાડયો છે.
ઓપરેશન સિંદૂરમાં ભારત સામે કારમા પરાજયનો સામનો કરવા છતાં પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિ મુનીરના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નથી. તેમણે ફરી એક વખત ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. અમેરિકન સૈન્યે અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને અબોટાબાદમાં ઠાર કર્યા પછી અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો વણસ્યા હતા, જે હવે ટ્રમ્પના શાસનમાં ફરી સુધરી રહ્યા છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વેપાર સોદા માટે ભારતને નમાવવામાં નિષ્ફળ જતાં તેમણે હવે ભારતના કટ્ટર દુશ્મન એવા પાકિસ્તાનને પોતાની તરફે લીધું છે, જેને પગલે આસિમ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારતને પરમાણુ ધમકી આપી છે.
અમેરિકાના ટામ્પા શહેરમાં ઉદ્યોગપતિ અદનાન અસદે યોજેલા ડિનરમાં આસિમ મુનીરે કહ્યું કે, ભારત સાથે ભવિષ્યમાં યુદ્ધ થશે અને તેમાં પાકિસ્તાનનું અસ્તિત્વ જોખમાશે તો અમે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા જરા પણ ખચકાઈશું નહીં. અમે પરમાણુ રાષ્ટ્ર છીએ. અમને લગાશે કે અમે ડૂબી રહ્યા છીએ તો અડધી દુનિયાને અમારી સાથે લઈને ડૂબીશું.
