અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. શહેરના નહેરુનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીની રાણીના પૂતળા પાસે બીઆરટીએસ કોરિડોર નજીક બેફામ કારે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેમાં એક્ટિવા પર સવાર બે યુવકોના દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતા. અકસ્માત બાદ ફરાર થયેલા રોહન સોનીએ (૧૧ ઓગસ્ટ) સવારે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ (૧૨ ઓગસ્ટ) પોલીસ આરોપી રોહન સોનીને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં લઈ ગઈ હતી. આ દરમિયાન કોર્ટમાં રજૂ કરાતા પહેલા આક્રોશમાં આવેલા લોકોએ રોહન સોનીની કોર્ટ પરિસરમાં ધોલાઈ કરી હતી. પોલીસે વચ્ચે પડીને આરોપીને જેમતેમ કરીને કોર્ટમાં પહોંચાડ્યો હતો.
રેસ લગાવીને નહેરૂનગર વિસ્તારમાં અકસ્માત સર્જનારા રોહન સોનીના મેટ્રોપોલિટન કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ ના બપોર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. જણાવી દઈએ કે, અકસ્માતમાં અશફાક અજમેરી અને અકરમ કુરેશીનું મોત થયું હતું. મૃતકો જમાલપુરના રહેવાસી હતા. આ ઘટના બાદ સામે આવેલા સીસીટીવી પરથી એવો દાવો કરાઈ રહ્યો છે કે, રોહન સોની અન્ય કાર સાથે રેસ લગાવી રહ્યો હતો જેના પરિણામે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જો કે પોલીસે આ મામલે પુષ્ટિ કરી નથી પરંતુ પુરાવા એકઠા કરીને તપાસ માટે મોકલી આપ્યા છે.