યુનાઇટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને યોજાનાર એશિયા કપ-૨૦૨૫ માં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાડવા મામલે વિવાદ ઊભો થયા બાદ કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય અને પાકિસ્તાનની ટીમને પણ ભારતમાં આવવાની મંજૂરી નહીં આપવામાં આવે.
સરકારે એમ પણ કહ્યું છે કે, એશિયા કપ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા યોજાતી મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ અલગ-અલગ માનવામાં આવશે. આવી ટુર્નામેન્ટ રમાડતી વખતે શરત એ રહેશે કે, ભારત-પાકિસ્તાનની મેચ અન્ય ન્યુટ્રલ વેન્યુ એટલે કે અલગ દેશોમાં રમાડવામાં આવે.
રમત-ગમત મંત્રાલયના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, ‘ભારત પોતાની નીતિમાં કોઈપણ ફેરફાર નહીં કરે અને પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધો ફરી શરુ કરવાની કોઈ વાત જ થતી નથી. જોકે એશિયા કપ એક મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ છે, તેથી ભારતીય ટીમ તેમાં રમશે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે માત્ર એશિયા કપ અથવા આઇસીસી દ્વારા યોજાતી ટુર્નામેન્ટમાં જ મેચ રમાશે.
બીસીસીઆઇ દ્વારા ૧૯ ઑગસ્ટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરે એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. ટુર્નામેન્ટમાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવને કૅપ્ટન તો શુભમન ગિલ વાઈસ કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા અને રિન્કુ સિંહનો પણ ટીમમાં સમાવેશ કરાયો છે.
