ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકતા બિલને સંસદની મંજૂરી બાદ હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ લીલીઝંડી આપી દીધી છે, જેના પછી હવે તે કાયદો બની ગયો છે. આ કાયદા હેઠળ બધી ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને આવી રમતો પૂરી પાડનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. જણાવી દઈએ કે, વિવિધ ઓનલાઇન સટ્ટાબાજી એપ્સના આશરે ૨૨ કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી ૧૧ કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે. એક અંદાજ મુજબ, દર વર્ષે ૪૫ કરોડ લોકો આ ઓનલાઇન મની ગેમ્સના ચક્કરમાં ફસાઈને ૨૦ હજાર કરોડથી વધારે રકમ ગુમાવે છે.
આજે રાષ્ટ્રપતિની મંજૂરી સાથે જ હવે આ કાયદો બની ગયો છે અને તેની જોગવાઈઓ લાગૂ થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમોશન એન્ડ રેગુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ બિલ ૨૦ ઓગસ્ટના રોજ લોકસભા અને ૨૧ ઓગસ્ટના રોજ રાજ્યસભામાં પસાર થયું હતું. બંને ગૃહોમાં આ બિલ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રજૂ કર્યું હતું.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ૨૦ ઓગસ્ટના રોજ લોકસભામાં ઓનલાઇન ગેમિંગ પ્રમોશન અને રેગુલેશન બિલ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘ગત ૧૧ વર્ષમાં ડિજિટલ ટૅક્નોલૉજી ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. નવી ટૅક્નોલૉજી વિકસિત થઈ છે અને તેના કારણે દેશની એક નવી ઓળખ પણ બની છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ આગળ વધી રહ્યા છે. ટૅક્નોલૉજીના અનેક લાભ છે, પરંતુ તેનું એક સેક્ટર એવું છે ઓનલાઇન ગેમિંગ, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સેક્ટર બન્યું છે.
ગેમિંગ સેક્ટરમાં ત્રણ સેગમેન્ટ છે. પહેલું સેગમેન્ટ છે ઈ-સ્પોર્ટ્સનું સેગમેન્ટ, જેમાં સ્ટ્રેટેજિક થિંકિંગ વધે છે અને વ્યક્તિ ટીમમાં કોઓર્ડિનેશન કરવાનું શીખે છે. બીજું સેગમેન્ટ છે ઓનલાઇન સોશિયલ ગેમ્સ. આપણે સૌએ ચેસ, સોલિટેયર, સુડોકુ જોઈ છે.આ એજ્યુકેશન, મેમરી વધારવા માટે પણ ઉપયોગી છે. ત્રીજું સેગમેન્ટ એવું છે, ઓનલાઇન મની ગેમ્સ, જે આજે સમાજમાં મોટી ચિંતાનો વિષય બન્યું છે. અનેક એવા પરિવારો છે, અનેક એવા વ્યક્તિઓ છે, જેમણે ઓનલાઇન મની ગેમ્સના કારણે એક એડિક્શન થઈ જાય છે. જીવનભરની કમાણી આવી બચત ગેમમાં ઉડાવી દેવામાં આવે છે. ફ્રોડ અને ચીટિંગ, અલ્ગોરિધમ્સ એવા હોય છે કે ખબર જ ન પડે કે કોણ કોની સાથે રમત રમી રહ્યું છે. અલ્ગોરિધમ્સ ઓપેક… અલ્ગોરિધમ્સ હોય છે, હાર નક્કી થઈ જાય છે. અનેક પરિવાર નષ્ટ થયા, એક્સટ્રીમ કેસ થયા, સુસાઇડ પણ થયા.
કર્ણાટકમાં ૩૧ મહિનામાં ૩૨ સુસાઇડ થયા છે. આનાથી નક્કી થાય છે કે મની ગેમિંગના કારણે સીરિયસ ઇમ્પેક્ટ આવી રહી છે. મની લોન્ડ્રિંગ થઈ રહ્યું છે, ટેરર સપોર્ટ થઈ રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઓનલાઇન ગેમિંગનું ડિસઓર્ડર એક નવું જાહેર કર્યું છે. આ બિલમાં બે ભાગ છે. ત્રણ સેગમેન્ટમાંથી બે સેગમેન્ટ – ઈ સ્પોર્ટ્સ અને ઓનલાઇન સોશિયલ ગેમિંગને સરકાર પ્રમોટ કરવા ઇચ્છે છે. ઈ-સ્પોર્ટ્સ અને સોશિયલ ગેમિંગને પ્રોત્સાહન આપવા માટે ઑથોરિટી બનાવવા, ગેમ મેકર્સને મદદ કરવા અને યોજનાઓ બનાવવાની વાત કરી. પરંતુ જ્યારે સમાજ અને સરકારના રેવેન્યુની વાત આવે છે, આ બંને વચ્ચે વડાપ્રધાન મોદીએ હંમેશા સમાજને ધ્યાનમાં રાખ્યો છે. મધ્યમ વર્ગીય પરિવારોને જ પ્રથમ રાખ્યા છે. વડાપ્રધાન મોદીએ તેના પર ક્યારે સમજૂતી નથી કરી અને આ બિલમાં પણ સમાજને જ પ્રાથમિકતા આપવામાં આવી છે.