ચૂંટણી પંચ દ્વારા બિહારમાં મતદારોનું વેરિફિકેશન કરાઇ રહ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. એવામાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે મતદારોના વેરિફિકેશન દરમિયાન તેમની ઓળખ માટ જે દસ્તાવેજો સ્વીકારાય છે તેમાં આધાર કાર્ડનો પણ સ્વીકાર કરવો જ પડશે.
ચૂંટણી પંચે અગાઉ એવી દલીલ કરી હતી કે આધાર કાર્ડ તે માત્ર ઓળખનું પ્રમાણ હોઇ શકે છે પરંતુ નાગરિકતાનું નહીં. આ વાત સુપ્રીમ કોર્ટે પણ સ્વીકારી હતી, જોકે હવે ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે વેરિફિકેશન દરમિયાન જે પણ મતદારોની બાદબાકી થઇ હોય તેમને પોતાનો દાવો સાબિત કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સુર્યકાંત અને જોયમાલ્યા બગ્ચીની બેંચે કહ્યું હતું કે મતદારો દ્વારા દાવા ફોર્મ ચૂંટણી પંચને સોંપવામાં આવે તેમાં આધાર કાર્ડનો પણ સમાવેશ કરી શકાશે.
બિહારમાં સાત કરોડથી વધુ મતદારોનું વેરિફિકેશન કરાયું હતું જેમાંથી ૬૫ લાખથી વધુ મતદારોની બાદબાકી કરી દેવાઇ છે અને તેમને ચૂંટણી પંચ સમક્ષ ઓનલાઇન દાવો કરવાની તક અપાઇ છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પક્ષોને આદેશ આપ્યો છે કે તેઓએ બાદબાકી કરાયેલા મતદારોને ઓનલાઇન દાવો કરવામાં કોઇ મદદ કરી કે કેમ તેની તમામ વિગતો રજુ કરવામાં આવે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટ ૮ સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી કરશે. બિહારમાં મતદારોના વેરિફિકેશનમાં અનેક મતદારોની બાદબાકી કરી નાખવામાં આવી હોવાનો રાજકીય પક્ષો દ્વારા આરોપ થઇ રહ્યો છે. આ સમગ્ર વેરિફિકેશન પ્રક્રિયા અને તેમાં આધાર કાર્ડનો સમાવેશ ના કરવાના નિર્ણય સામે સુપ્રીમમાં અપીલ કરાઇ છે.