ભારતની તરફેણ કરનાર અને અમેરિકાના પૂર્વ એનએસએ જૉન બોલ્ટનના ઘરે (૨૨ ઓગસ્ટ) એફબીઆઈએ દરોડ પાડ્યા છે. એક સમયે બોલ્ટન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ નજીકના હતા, જોકે પછી તેઓ ટ્રમ્પના ટીકાકાર બની ગયા છે. ટ્રમ્પના ટેરિફ વિરોધી કહેવાતા બોલ્ટન અનેક વખત ટ્ર્મ્પ સરકાર પર નિશાન સાધી ચુક્યા છે. ટ્રમ્પે જ્યારે ભારત પર મસમોટો ટેરિફ ઝિંક્યો હતો, ત્યારે પણ બોલ્ટને ભારતની તરફેણ કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, એફબીઆઈ ના અધિકારીઓ વોશિંગ્ટન ડીસી સ્થિત પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જૉન બોલ્ટનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. એફબીઆઈએ દસ્તાવેજ સંબંધી તપાસ કરવા માટે આ દરોડો પાડ્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટે એક અધિકારીને ટાંકીને કહ્યું છે કે, એફબીઆઈ નિદેશક કાશ પટેલે આદેશ આપ્યા બાદ બોલ્ટનના ઘરે દરોડો પાડવામાં આવ્યો છે. દરોડાના થોડા સમય બાદ કાશ પટેલે એક્સ પર લખ્યું છે કે, ‘કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, એફબીઆઈના એજન્ટો મિશન પર છે.’
અગાઉ બોલ્ટને સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, ‘ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું હોવાથી ટ્રમ્પે ટેરિફ લગાવ્યો, પરંતુ ચીન પર નથી લગાવ્યો. આ જ કારણે ભારત રશિયા-ચીનની વધુ નજીક આવ્યું હોઈ શકે છે. ટ્રમ્પ તંત્રએ આ બાબતને ધ્યાને લીધી નથી, જે અજાણતામાં ભૂલ હોઈ શકે છે.’
બોલ્ટને અગાઉ કહ્યું હતું કે, ‘ટ્રમ્પે ભારત સાથે સંબંધો જાળવાની જરૂર છે. આપણે સંબંધોને થતા નુકસાન પર ધ્યાન આપવું જોઈએ. આપણે એ વિચારવું જોઈએ કે, ભારત સાથે વહેલામાં વહેલી તકે સંબંધો કેવી રીતે સુધરી શકે છે. ભારત-અમેરિકાના સંબંધો ખરાબ સ્થિતિ પર પહોંચી ગયા છે, જેના કારણે ભારત ચીન-રશિયાની નજીક પહોંચી રહ્યું છે. આ કારણે ભવિષ્યમાં અમેરિકા મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદી તેને રિફાઈન કરી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેચી રહ્યું હોવાની વાતથી ટ્રમ્પ અને અમેરિકાને વાંધો હોય તો તેઓએ ચર્ચા કરવી જોઈએ. સત્ય વાત એ પણ છે કે, ભારતે કોઈપણ પ્રકારના પ્રતિબંધો તોડ્યા નથી.’

