ટેરિફના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. બીજી તરફ અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો મધુર થઈ રહ્યા છે. આટલું જ નહીં ટ્રમ્પે થોડા દિવસ અગાઉ ભારતને ટોણો માર્યો હતો કે એક સમય એવો આવશે જ્યારે ભારત પાકિસ્તાન પાસેથી ઓઈલ ખરીદશે. એવામાં આ મુદ્દે ભારતના વિદેશમંત્રી જયશંકરે અમેરિકાને જવાબ આપ્યો છે.
પાકિસ્તાન સાથે મૈત્રી વધારી રહેલા અમેરિકાને જયશંકરે ઓસામા બિન લાદેનની યાદ અપાવી. એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું, કે ‘અમેરિકા અને પાકિસ્તાનનો એકબીજા સાથેનો ઈતિહાસ રહ્યો છે અને ઈતિહાસને નજરઅંદાજ કરવાનો પણ ઈતિહાસ છે. અમે આ બધુ પહેલીવાર નથી જોઈ રહ્યા. આજે ત્યાં કોઈ સેના (અમેરિકાની) કોઈને (પાકિસ્તાન) સર્ટિફિકેટ આપે છે, થોડા વર્ષ પહેલા આ જ સેના એબટાબાદમાં ઘૂસી હતી. સૌ કોઈ જાણે છે કે ત્યાં કોણ મળ્યું હતું.’
જયશંકરે ટ્રમ્પની મધ્યસ્થીના દાવા પર જવાબ આપતા કહ્યું, કે ‘પાકિસ્તાન સાથે સંઘર્ષ મુદ્દે ભારતે ૧૯૭૦ થી અત્યાર સુધી આશરે ૫૦ વર્ષમાં કોઈ પણ મધ્યસ્થી સ્વીકાર્યો નથી. ઓપરેશન સિંદૂર વખતે અમેરિકા જ નહીં, અન્ય દેશોએ પણ ફોન કર્યો હતો, આ કોઈ ગુપ્ત વાત નથી. પણ કોઈ મધ્યસ્થી થવાનો દાવો કરે તો તે ખોટું છે.’ ટ્રમ્પ પર નિશાન સાધતાં જયશંકરે કહ્યું, કે ‘અમે ક્યારેય આવા અમેરિકન પ્રમુખ નથી જોયા જે વિદેશનીતિ સાર્વજનિક રૂપે સંચાલિત કરતાં હોય. અને આ બદલાવ માત્ર ભારત માટે જ નથી. ટ્રમ્પની દુનિયાના દેશો સાથે વ્યવહાર કરવાની પરંપરાગત નથી. હું તમને ઉદાહરણ સાથે સમજાવું તો ગેરવેપાર મુદ્દે ટેરિફ લગાવવા યોગ્ય નથી.’
‘ભારત અને અમેરિકા વચ્ચે હજુ પણ વાટાઘાટો ચાલુ જ છે. એવું કશું નથી કે અમે નાના બાળકોની જેમ કિટ્ટા કરી લીધી હોય. પણ ભારતની અમુક રેડ લાઈન્સ છે, અમે ખેડૂતો અને નાના ઉત્પાદકો મામલે બાંધછોડ આપી શકીએ નહીં. ‘ રશિયાથી ઓઈલ ખરીદવા મામલે પણ જયશંકરે જવાબ આપ્યો, કે ‘જો તમને ભારતથી રિફાઈન્ડ તેલ ખરીદવામાં વાંધો હોય તો ના ખરીદશો. ‘
