ખોખરામાં આવેલી વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યાના મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં શાળાના આચાર્ય અને તેમના સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવતા આ મામલે સ્કૂલના આચાર્ય, સિક્યોરીટી ગાર્ડ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે, શાળાની બહાર આરોપી વિદ્યાર્થીએ પેટમાં બોક્સ કટરના ઘા માર્યા હતા. ત્યારબાદ મૃતક નયન સંતાણી પેટને રૂમાલથી કવર કરીને ચાલતો ચાલતો સ્કૂલની પાળી પર આવીને બેસી ગયો હતો. આ સમયે સિક્યોરીટી ગાર્ડથી માંડીને અન્ય સ્ટાફને જાણ થઈ હોવા છતાંય, તેને હોસ્પિટલ લઈ જવાની કે પોલીસ જાણ કરવાની તસ્દી લીધી નહોતી. ત્યારે આ બાબતની ગંભીર નોંધ લઇને ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. જોકે, આ મામલે વિદ્યાર્થીના ન્યાય માટે વેપારીઓ મેદાન આવ્યા છે. વેપારીઓએ આજે બંધ પાલન કરીને મૃતક વિદ્યાર્થી માટે ન્યાયની માંગ કરી છે.
ખોખરાની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મુદ્દે સિંધી સમાજ દ્વારા ગઈકાલે વિશાળ રેલી અને ઉગ્ર વિરોધ બાદ હવે વેપારી મંડળો પણ વિદ્યાર્થી અને તેના વાલીના સમર્થનમાં આવ્યા છે.શહેરના કાલપુર, રાયપુર, સરસપુર, સારંગપુર અને રિલિફ રોડ સહિતના વિવિધ વિસ્તારના વેપારીઓની સહમતી સાથે અમદાવાદ વેપારી મહાસંગઠન દ્વારા શનિવારે (૨૩ ઓગસ્ટ) બંધનુ એલાન અપાયુ છે. આ ઉપરાંત અન્ય પણ કેટલાક વેપારી મંડળ-એસો. બિઝનેસ પાર્ક બંધ પાળશે. જેથી શનિવારે (૨૩ ઓગસ્ટ) તમામ દુકાનો, બજારો, માર્કેટ, મોટા બિઝનેસ પાર્ક બંધ રહેશે.
વેપારી મંડળો પોસ્ટર અને બેનરો સાથે નયન માટે ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે અને મૃતક વિદ્યાર્થી માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. અમદાવાદમાં હાલ માર્કેટ બંધ જોવા મળી રહી છે. કોટ વિસ્તારમાં આવેલી તમામ માર્કેટો શાંત પડી ગઈ છે.
અમદાવાદમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય ૭-૮ વિદ્યાર્થીઓ સાથે મળીને ૧૦ માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ ૭-૮ અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.
આ ચકચારભર્યા કેસમાં ખોખરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા કિશોરને શુક્રવારે (૨૨ મી ઓગસ્ટ) પોલીસે ખાનપુર સ્થિત જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરાયો હતો. કિશોરને રજૂ કરતાં પહેલાં પણ પોલીસનું અભેદ સુરક્ષા કવચ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની ફરતે તહેનાત કરી દેવાયું હતું. પક્ષકારોને સાંભળ્યા બાદ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપ્યો હતો.
