લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ બિહારમાં મતદાર અધિકાર યાત્રા કાઢી રહ્યા છે. તેમની આ રેલી મુઝફ્ફરપુર પહોંચી હતી જ્યાં ઇન્ડિયા ગઠબંધનના એમ. કે. સ્ટાલિન, આરજેડીના તેજસ્વી યાદવ સહિત અન્ય પક્ષના નેતાઓ જોડાયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ પાકિસ્તાન અને ભારત વચ્ચે શસ્ત્ર વિરામને લઇને વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા અને દાવો કર્યો હતો કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શસ્ત્ર વિરામ કરવા આદેશ આપ્યા તેના પાંચ જ કલાકમાં મોદીએ પાકિસ્તાન સાથેનું યુદ્ધ અટકાવી દીધુ હતું.
બિહારના મુઝફ્ફરપુરમાં રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે શું તમે લોકો જાણો છો કે ટ્રમ્પે આજે શું કહ્યું છે? ટ્રમ્પે કહ્યું છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મે મહિનામાં ઘર્ષણ ચાલી રહ્યું હતું, યુદ્ધની સ્થિતિ હતી ત્યારે મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને કહ્યું કે ભારત પાકિસ્તાન સાથેનું યુદ્ધ અટકાવે, મે મોદીને ૨૪ કલાકનો સમય આપ્યો છે. જોકે મોદીએ ટ્રમ્પનો આદેશ મળ્યાના પાંચ જ કલાકમાં યુદ્ધ અટકાવી દીધુ હતું. તેવો દાવો રાહુલ ગાંધીએ કર્યો હતો.
બિહારના સિતામઢીમાં રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ વોટચોરીનો મુદ્દો છેડયો હતો, તેમણે કહ્યું હતું કે ભાજપે લોકસભાની ચૂંટણી દરમિયાન ૬૦થી ૭૦ બેઠકો પર વોટચોરી કરી હતી જે અંગે હું ખુલાસો કરીશ, હું ભાજપને હજુ વધુ ખુલ્લો પાડીશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અને ચૂંટણી કમિશન વોટ ચોરો છે, આગામી છ મહિનામાં હું તેમને ખુલ્લા પાડીશ. ભાજપ પહેલા તમારા મતોની ચોરી કરશે બાદમાં તમારા અધિકારોની ચોરી કરશે. ભાજપે મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદારોની યાદીમાં બનાવટી લોકોને ઘૂસાડયા અને પછી ચૂંટણી જીતી ગયો.
