૪ રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વરસાદની ચેતવણી
દેશના અનેક રાજ્યોમાં આગામી ૨૪ કલાકમાં ભારે થી અતિ ભારે વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાશે તેવી આગાહી આઇએમડી એ કરી છે. હવામાન વિભાગે લોકોને ખાસ સતર્ક રહેવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા અપીલ કરી છે.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી ) એ આગામી ૨૪ કલાક માટે દેશના ઘણા વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ તથા જોરદાર પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. વિભાગે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.
હવામાન વિભાગ અનુસાર, છત્તીસગઢ, દરિયાકાંઠાનો કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદ પડશે. આ સિવાય દરિયાકાંઠાનો આંધ્રપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત વિસ્તાર, હિમાચલ પ્રદેશ, કર્ણાટકના આંતરિક ભાગો, કેરળ-માહે તેમજ કોંકણ-ગોવાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વિભાગે વધુમાં જણાવ્યું કે મધ્યપ્રદેશ, મરાઠવાડા, ઓડિશા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણા અને વિદર્ભ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
માત્ર વરસાદ જ નહીં, પણ વીજળી કડાકા અને જોરદાર પવનની ચેતવણી પણ આપવામાં આવી છે. આંદામાન-નિકોબાર ટાપુઓ, બિહાર, ગુજરાત રાજ્ય, કર્ણાટકના આંતરિક વિસ્તારો, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઝારખંડ, લક્ષદ્વીપ અને તેલંગાણાના અનેક વિસ્તારોમાં વાવાઝોડું તથા તીવ્ર પવન ફૂંકાઈ શકે છે.
આ ઉપરાંત આગામી ૧૨ કલાકમાં પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ઝારખંડ, પશ્ચિમ બંગાળ, પૂર્વ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળમાં હળવો વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડ, ઉત્તરપૂર્વ ભારત અને મધ્ય મહારાષ્ટ્રમાં હળવો થી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં મધ્યમ વરસાદ પડશે એવી ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે જનતાને અપીલ કરી છે કે તેઓ અનાવશ્યક બહાર ન નીકળે, ખાસ કરીને નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા રાખે.
