ચીને પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકા-રશિયા સાથે વાતચીતનો કર્યો ઈનકાર.
ભારતની સાથે ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને ચીને મોટો ઝટકો આપ્યો છે. ચીને પરમાણુ અપ્રસાર (ન્યૂક્લિયર નોન-પ્રોલિફરેશન) પર ચર્ચા કરવા અમેરિકા અને રશિયા સાથે બેઠક કરવાનો ઈનકાર કરી દીધો છે. ચીને જણાવ્યું કે, તે અમેરિકા અને રશિયા સાથે પરમાણુ નિઃશસ્ત્રીકરણ બેઠકમાં સામેલ થશે નહીં.
પરમાણુ અપ્રસાર સંધિ હેઠળ યોજાનારી ત્રિપક્ષીય બેઠકની અપીલને ચીને ફગાવી દીધી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને જણાવ્યું કે, ચીન પાસે ત્રિપક્ષીય બેઠકમાં સામેલ થવાની અપેક્ષા તર્કસંગત નથી, તેમજ વ્યવહારુ પણ નથી. કારણકે, ત્રણેય દેશોની પરમાણુ ક્ષમતા અસમાન છે. ઉલ્લેખનીય છે કે, ચીન, રશિયા અને અમેરિકા વચ્ચે ૧૯૬૮માં પરમાણુ અપ્રસાર સંધિ થઈ હતી.
રશિયા, ચીન અને અમેરિકા વચ્ચે લગભગ પાંચ દાયકા પહેલાં ૧૯૬૮ માં પરમાણુ અપ્રસાર સંધિ થઈ હતી. જેનો ઉદ્દેશ પરમાણુ હથિયારનો પ્રસાર રોકવા, તેના નિઃશસ્ત્રીકરણને પ્રોત્સાહન આપવા તેમજ પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ સંધિ હેઠળ દર પાંચ વર્ષે ત્રણેય દેશ વચ્ચે રિવ્યૂ કોન્ફરન્સ થાય છે. જે 2025માં થવાની સંભાવના હતી. પરંતુ ચીને તેમાં ભાગ લેવાની ના પડતાં આ કોન્ફરન્સની અટકળો પર પૂર્ણ વિરામ મૂકાયો છે.
રશિયા અને અમેરિકા વચ્ચે તણાવનો માહોલ છે, ૫ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ રશિયા એક જાહેરાતના માધ્યમથી વર્ષ ૧૯૮૭ થી લાગુ ઈન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સિસ સંધિમાંથી બહાર થયુ હતું. આ સંધિ હેઠળ ૫૦૦ થી ૫૫૦૦ કિમી રેન્જ ધરાવતી મિસાઈલ બોર્ડર એરિયામાં તૈનાત કરવા પર રોક હતી. અમેરિકાએ યુક્રેન સાથે યુદ્ધ રોકવા રશિયા પર ટેરિફ સહિત અનેક આર્થિક પ્રતિબંધો લાદ્યા હતા. જેથી રશિયાએ આ સંધિમાંથી અલગ થવાનો નિર્ણય લીધો. બીજી બાજુ ચીન અને અમેરિકા વચ્ચે પણ ટેરિફ અને પરમાણુ વિસ્તાર મામલે તણાવ સર્જાયો છે. ૨૦૨૪ માં સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના રિપોર્ટમાં દર્શાવ્યું હતું કે, ચીન પરમાણુ હથિયારના ઉત્પાદન વધારી રહ્યું છે. જાન્યુઆરી, ૨૦૨૩ માં ચીન પાસે ૪૧૦ પરમાણુ હથિયાર હતા, જે ૨૦૨૪ માં વધી ૫૦૦ થયા છે. ચીને ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ પર પણ ફોકસ વધાર્યું છે.