વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચી ગયા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ૨૮ ઓગસ્ટે જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થયા હતા. જાપાન માટે રવાના થતા પહેલા, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રવાસ ભારતના હિતોને આગળ વધારવામાં મદદ કરશે. તે પ્રાદેશિક, વૈશ્વિક શાંતિ અને પરસ્પર સહયોગને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થશે.
મુલાકાતના પહેલા તબક્કામાં, વડાપ્રધાન મોદી ૨૯ અને ૩૦ ઓગસ્ટે જાપાનમાં રહેશે. ત્યારબાદ, તેમણે ચીન જશે, જ્યાં તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. મુલાકાત માટે રવાના થતા પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે, તેઓ તિયાનજિનમાં યોજાનારી શિખર સંમેલન દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા માટે ઉત્સુક છે.
જાપાનમાં, વડાપ્રધાન મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે શિખર સંમેલન કરશે. જાપાન મુલાકાત અંગે, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સમય દરમિયાન ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગલા સ્તર પર લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેણે છેલ્લા ૧૧ વર્ષમાં સતત નોંધપાત્ર પ્રગતિ કરી છે. જાપાન મુલાકાતનો હેતુ પરસ્પર સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો, આર્થિક અને રોકાણ સંબંધોનો વ્યાપ વધારવાનો અને AI તેમજ સેમિકન્ડક્ટર જેવી નવી ટેક્નોલોજીમાં ભાગીદારીને આગળ વધારવાનો રહેશે. આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે સભ્યતા અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક બનશે.

વડાપ્રધાન મોદી ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે ચીનના તિયાનજિનની મુલાકાત લેશે. ત્યાં તેઓ એસસીઓ સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત એસસીઓ દેશો સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે જેથી સામાન્ય પડકારોનો ઉકેલ શોધી શકાય અને પ્રાદેશિક સહયોગ વધુ ગાઢ બને. જાપાનની મુલાકાત પછી, હું ચીનના પ્રમુખ શી જિનપિંગના આમંત્રણ પર તિયાનજિનમાં યોજાનારી એસસીઓ સમિટમાં હાજરી આપીશ. ભારત એસસીઓ નું સક્રિય અને રચનાત્મક સભ્ય છે અને તેના કાર્યકાળ દરમિયાન, ભારતે ઇનોવેટિવ, હેલ્થ અને સાંસ્કૃતિક આદાનપ્રદાન જેવા ક્ષેત્રોમાં નવી પહેલ કરી છે.
