બિહારમાં વિશેષ ગહન નિરીક્ષણ અંતર્ગત મતદાર યાદીની સમીક્ષાનું કામ અંતિમ ચરણમાં છે. ચૂંટણી પંચ બિહારમાં અંતિમ મતદાર યાદી ૩૦ સપ્ટેમ્બરના રોજ જાહેર કરશે. તે પહેલાં ૩ લાખથી વધુ સંદિગ્ધ મતદારોના નામ રદ થી શકે છે. પંચને આ મતદારો દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં ગંભીર ખામીઓ જોવા મળી હોવાનું જણાવ્યું છે.
ચૂંટણી પંચે તમામ મતદારોને નોટિસ મોકલવાનું શરૂ કર્યું છે. સંબંધિત ક્ષેત્રોના એસડીએમના તપાસ રિપોર્ટના આધારે કિશનગંજ, પૂર્ણિયા, પશ્ચિમ ચંપારણ, પૂર્વીય ચંપારણ, અરરિયા, સહરસા, મધુબની, અને સુપૌલ જિલ્લાના મતદારોને નોટિસ મોકલી છે. નેપાળ અને બાંગ્લાદેશની સરહદ સાથે જોડાયેલા ગામોના મતદારોના દસ્તાવેજમાં મોટાપાયે ખામી જોવા મળી છે.
આ ત્રણ લાખ લોકો બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, અને અફઘાનિસ્તાનમાંથી ગેરકાયદે ઘૂસણખોરી કરી ભારતમાં પ્રવેશ્યા હોવાની આશંકા છે. તેઓએ નકલી દસ્તાવેજોના આધારે ચૂંટણી ઓળખ પત્ર હાંસલ કર્યું છે. તેમણે પોતાના આધાર અને અન્ય દસ્તાવેજ કેવી રીતે બનાવ્યા છે તેની પણ તપાસ કરાશે. આ મતદારોએ અત્યારસુધી પોતાની ઓળખ રજૂ કરવા માટે ચૂંટણી પંચ પાસે કોઈ દસ્તાવેજ જમા કરાવ્યો નથી. જેથી પંચે તેમને નોટિસ પાઠવી છે.
બિહારમાં SIR પ્રક્રિયા હેઠળ જાહેર યાદીમાં પહેલાંથી જ ૬૫ લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જેમાં ઘણાના મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે ઘણા લોકો બિહાર છોડી અન્ય રાજ્ય કે દેશમાં સ્થાયી થયા છે. વધુમાં બે સ્થળો પર મતદાર તરીકે ઓળખ ધરાવતા મતદારોના નામ પણ દૂર કરવામાં આવ્યા છે. જો આ યાદીમાં વાંધો હોય તો મતદારો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે દસ્તાવેજો સાથે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરી શકે છે. જો અરજી નહીં કરે તો તેમના નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે નહીં. તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં મત આપી શકશે નહીં. ચૂંટણી પંચના સત્તાવાર સૂત્રોએ આ અંગે ગુરૂવારે માહિતી આપી હતી કે, જે મતદારોએ દાવો-આપત્તિ દાખલ કરવા માટે નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના દસ્તાવેજ રજૂ ન કર્યા તો તેમના નામ રદ કરવામાં આવશે. આવા મતદારોને નોટિસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ જિલ્લાના જિલ્લા પંચ અધિકારીની દેખરેખ હેઠળ સંદિગ્ધ મતદારોને નોટિસ મોકલવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર ચૂંટણી પંચે પહેલાં જ ૬૫ લાખ લોકોના નામ કારણ સહિત તમામ બૂથ, જિલ્લા કાર્યાલયો, બ્લોક પર પ્રકાશિત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર રાજ્યમાં આધાર રજિસ્ટ્રેશનના આવશ્યક દસ્તાવેજો પણ સામેલ કરવામાં આવ્યા છે.
