એક મહિનાથી મુકેશ અંબાણી સહપરિવાર રિલાયન્સ ટાઉનશિપના બંગલામાં, એન્ટિલિયા છોડવાનું કારણ વઝેપ્રકરણ કે કોરોના?

રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર છેલ્લા એક મહિનાથી મુંબઈ છોડીને જામનગરમાં છે. અંબાણી પરિવાર જામનગર પાસે આવેલી તેમની રિલાયન્સ ટાઉનશિપમાં રહી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

રિલાયન્સ ટાઉનશિપની સિક્યોરિટી વધારાઈ
જામનગરમાં રિલાયન્સ ટાઉનશિપમાં આવેલા ટીએમસી બંગલોઝની બાજુમાં તેમનું ભવ્ય નિવાસસ્થાન છે, જ્યાં આ પરિવાર રહેતો હોવાનું સૂત્રો કહે છે. જોકે આ વાતને રિલાયન્સ ગ્રુપ દ્વારા સત્તાવાર સમર્થન મળ્યું નથી. જોકે રિલાયન્સ ટાઉનશિપમાં સિક્યોરિટી વધારી દેવાઈ છે, જેના પરથી ચોક્કસપણે અંબાણી પરિવાર જામનગરમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે આટલા લાંબા સમયથી મુંબઈ છોડીને અહીં રહેવા પાછળનાં કારણો વિશે મતમતાંતર પ્રવર્તી રહ્યા છે.

ફાઈલ તસવીર.

મુંબઈ છોડવાનું કારણ અકબંધ
મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીકથી વિસ્ફોટકો ભરેલી કાર મળ્યા બાદ આ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ એપીઆઈ સચિન વઝેની ધરપકડ કરી છે. ત્યાર બાદ રોજેરોજ નવા વળાંકો આવી રહ્યા છે. અંબાણી પરિવાર એક મહિનાથી જામનગરમાં હોવા પાછળ પણ આ પ્રકરણ કારણભૂત હોવાનું મનાય છે.

ફાઈલ તસવીર.

જોકે બીજી તરફ મુંબઈમાં કોરોનાના વધતા કેસોને પગલે અંબાણી પરિવાર જામનગરમાં આવી ગયો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જોકે સત્તાવાર સૂત્રોએ અંબાણી પરિવાર આટલા લાંબા સમયથી જામનગર શા માટે રહી રહ્યો છે એ અંગે કોઈ સ્પષ્ટતા નહીં કરતાં તેમના જામનગરના વસવાટ અંગે રહસ્ય વધુ ઘેરું બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *