ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નદી-નાળા અને ડેમ છલકાયા છે. જેમાં ધરોઈ ડેમમાંથી ૫ સપ્ટેમ્બર રાત્રે ૦૮:૦૦ વાગ્યે ૬૧૮ ફૂટે જળ સપાટી પહોંચી છે, જેની ભયજનક સપાટી ૬૨૨ ફૂટની છે. ડેમમાં જળસ્તળ વધતાં રાત્રે ૧૦:૦૦ વાગ્યે ડેમમાંથી ૨૫ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જેને લઈને તંત્રએ ગાંધીનગર, અમદાવાદ સહિત ૬ જિલ્લાને ઍલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે તંત્રએ લોકોને સલામત સ્થળે જવા સૂચના આપી છે.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે, ત્યારે સાબરમતી નદીમાં ડેમના પાણી છોડાયા છે. જેને લઈને ધરોઈ ડેમના તંત્રએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લા તંત્રને ઍલર્ટ કર્યા છે.
સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે નદી કાંઠા વિસ્તારના ગામડાંઓના લોકોને સાવચેતી રાખવા તંત્રએ જણાવ્યું છે. તેમજ ધરોઈ ડેમની હેઠવાસમાં નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન હેઠળ ઘટતી કાર્યવાહી કરવામાં સૂચના આપવામાં આવી છે.