અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ‘લાસ્ટ વૉર્નિંગ’ આપતા કહ્યું કે પેલેસ્ટિનિયન સંગઠને ગાઝામાં બંધકોને મુક્ત કરવા અંગેની ડીલ પર સહમત થવું પડશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે , ‘ઇઝરાયલે મારી શરતો સ્વીકારી લીધી છે. હવે હમાસ માટે પણ સહમત થવાનો સમય આવી ગયો છે.’
‘મેં હમાસને ચેતવણી આપી છે કે જો તે શરતો નહીં સ્વીકારે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ મારી લાસ્ટ વૉર્નિંગ છે, પછી કોઈ તક નહીં મળે. ‘ એક મીડિયા એજન્સીના અહેવાલમાં ઇઝરાયલના સ્થાનિક મીડિયાના આધારે દાવો કરાયો છે કે ટ્રમ્પે શનિવારે હમાસ સમક્ષ એક નવો યુદ્ધવિરામ પ્રસ્તાવ રજૂ કરાયો છે.
નવા પ્રસ્તાવ હેઠળ હમાસે યુદ્ધવિરામના પહેલા દિવસે બાકીના ૪૮ બંધકોને મુક્ત કરવા પડશે, જેના બદલામાં ઇઝરાયલમાં બંધ હજારો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે. આ સમય દરમિયાન ગાઝા પટ્ટીમાં યુદ્ધ સમાપ્ત કરવા પર વાતચીત કરવામાં આવશે.
એક ઇઝરાયલી અધિકારીએ જણાવ્યું હતું કે ઇઝરાયલ ટ્રમ્પના પ્રસ્તાવ પર ‘ગંભીરતાથી વિચારી રહ્યું છે’, પરંતુ તેમણે કોઈ વિગતો આપી નથી. રવિવારે, ઇઝરાયલી વિદેશમંત્રી ગિદોન સારે કહ્યું હતું કે જો હમાસ બંધકોને મુક્ત કરીને આત્મસમર્પણ કરી દે તો ગાઝામાં યુદ્ધ સમાપ્ત થઈ શકે છે.