કેન્દ્ર સરકારે ૪૨ સામાન્ય દવાઓના રિટેલ ભાવ જાહેર કર્યા છે. આ દવાઓમાં બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક અને ઇપ્કા લેબોરેટ્રીઝ પણ સામેલ છે. આ દવાઓનો ઉપયોગ સામાન્ય રીતે અંગોના ટ્રાન્સપ્લાન્ટ બાદ ઓર્ગન રિજેક્શન રોકવા માટે કરવામાં આવે છે. મેરોપેનમ અને સુલબૈક્ટમ ઇંજેક્શનની રિટેલ કિમત પ્રત્યેક બોટલ આશરે રૂપિયા ૧૯૩૮ છે. આ ઉપરાંત માઇકોફેનોલેટ મોફેટિલની કિમત પ્રતિ ટેબલેટ ૧૩૧.૫૮ રૂપિયા છે.
બેક્ટેરિયાના સંક્રમણની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એબોટ હેલ્થકેરની ક્લેરિથ્રોમાઇસિન એક્સટેંડેડ રિલીઝ ટેબલેટની કિમત હવે ૭૧.૭૧ રૂપિયા પ્રતિ ટેબલેટ છે. આ વર્ષે જ ફેબુ્રઆરી મહિનામાં નેશનલ ફાર્માસિયુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી કે જે દવાઓના ભાવ પર કન્ટ્રોલ ધરાવે છે તેણે ઉત્પાદકોને આદેશ આપ્યો હતો કે તેઓ ડીલર્સ, સ્ટેટ ડ્રગ કન્ટ્રોલર, રાજ્ય સરકારને ભાવની યાદી જાહેર કરે.
એવામાં તાજેતરમાં સરકાર દ્વારા ૪૨ એવી દવાઓના ભાવ ફિક્સ કરી નાખ્યા છે કે જેનો ઉપયોગ સામાન્ય સારવાર માટે થતો હોય છે. ખાસ કરીને ટ્રાન્સપ્લાન્ટના કેસોમાં જ્યારે દર્દીના કોઇ અંગનું ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવે છે તે બાદ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલ અંગને શરીર જોડવામાં મુશ્કેલી અનુભવી રહ્યું હોય તેવી સ્થિતિમાં તેનો સામનો કરવા માટે જે દવાઓનો ઉપયોગ કરાય છે તેનો પણ સમાવેશ આ ૪૨ દવાઓમાં થાય છે. આ દવાઓનો ફિક્સ કરાયેલો ભાવ લોકોને વંચાય તે રીતે છાપવાનો રહેશે. અગાઉ એનપીપીએએ પોતાના આદેશમાં કહ્યું હતું કે તમામ રિટેલર્સ અને ડીલરે ભાવની યાદી અને સપ્લિમેન્ટરી ભાવની યાદી (જો હોય તો) યોગ્ય સ્થળે લોકોને વંચાય તે રીતે લગાવવાની રહેશે.