પંજાબ અને હિમાચલ પહોંચી બેઠક બાદ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કરશે પીએમ મોદી
ભારે વરસાદ અને પૂરથી થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે હિમાચલ પ્રદેશ અને પંજાબની મહત્વપૂર્ણ મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ નુકસાનગ્રસ્ત વિસ્તારોની હવાઈ સમીક્ષા કરશે તથા રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને રાહત અને પુનર્વસન કામગીરી અંગે સમીક્ષા કરશે.
પ્રધાનમંત્રી મોદી મંગળવારે બપોરે લગભગ ૦૧:૨૦ વાગ્યે ખાસ વિમાન દ્વારા ગગ્ગલ એરપોર્ટ (કાંગડા) પર પહોંચશે. બપોરે ૦૧:૩૦ વાગ્યે તેઓ રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહેમાનો સાથે બેઠક કરશે. આ સમીક્ષા બેઠક બપોરે ૦૨:૧૫ સુધી ચાલશે. બેઠક બાદ વડાપ્રધાન ચંબા, મંડી અને કુલ્લુ જેવા ગંભીર રીતે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કરશે. પીએમાઓ દ્વારા મળેલી માહિતી મુજબ ૨૦ લોકોની નિયંત્રિત હાજરી સાથે બેઠક યોજાશે જેથી સમગ્ર પ્રક્રિયા વ્યવસ્થિત અને સુરક્ષિત રહે.
પ્રધાનમંત્રીની મુલાકાતને લઈ સુરક્ષાના કડક ઇંતજામ કરવામાં આવ્યા છે. અંદાજે ૪૦૦ હિમાચલ પોલીસ કર્મચારીઓ વિવિધ સ્થળોએ તૈનાત કરાયા છે. ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. કાંગડા જિલ્લાને ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરાયો છે અને તમામ પ્રકારની હવાઈ પ્રવૃત્તિઓ, પેરાગ્લાઈડિંગ સહિત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હિમાચલની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનો પણ હવાઈ સર્વે કરશે. બપોરે ૦૩:૦૦ વાગ્યે તેઓ પંજાબમાં પ્રવેશ કરશે અને ગુરદાસપુર નજીકના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં સાંજે ૦૪:૦૦ વાગ્યે તેઓ ગુરદાસપુરમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે પૂરની પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. આ બેઠકમાં પીએમ એનડીઆરએફ, એસડીઆરએફ અને આપદા મિત્ર ટીમોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરીને જમીની હકીકતો સમજશે. વડાપ્રધાનની આ મુલાકાતનો મુખ્ય હેતુ પીડિતોને ઝડપથી સહાય પહોંચાડવાનો છે.
પૂરના કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ રૂ. ૨૦,૦૦૦ કરોડના વચગાળા રાહત પેકેજની માંગ કરી છે. રાજ્યના નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ જણાવ્યું કે, વડાપ્રધાનથી રાજ્યને ઉદાર સહાય મળવાની અપેક્ષા છે. સાથે જ પંજાબ સરકારે કેન્દ્ર પાસે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનાં જૂના બાકી લેણાં પણ મુક્ત કરવાની માગ કરી છે. શિરોમણી અકાલી દળના સુખબીર સિંહ બાદલ અને કોંગ્રેસના અમરિંદર સિંહ વાડિંગે પણ પીએમને પત્ર લખી રાહત પેકેજની અપીલ કરી છે.
