નેપાળમાં સરકારના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે ફાટી નીકળેલા ‘જનરલ ઝેડ’ આંદોલને હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. સ્થિતિ બેકાબૂ થતા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું હતું. જો કે, વડાપ્રધાનના રાજીનામાં બાદ પણ સ્થિતિ શાંત થઇ નથી. ઉગ્રવાદીઓએ સંસદ, રાષ્ટ્રપતિના ઘર, સુપ્રીમ કોર્ટ તથા કેબિનેટ મંત્રીઓ સહિતના નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. સમગ્ર દેશમાં ઠેર ઠેર હિંસાના કારણે પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. આ દરમિયાન હવે સ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાએ દેશનું કમાન સંભાળવાની જાહેરાત કરી છે.
નેપાળમાં હિંસક દેખાવોના પગલે કેપી શર્મા ઓલીના શાસનનું અંત આવ્યું છે. હવે દેશની કમાન સેના સંભાળશે. નેપાળના આર્મી ચીફ અશોક રાજ સિગડેલ આ અંગે જાહેરાત કરી છે. આર્મી ચીફે દેશને સંબોધિત કરતી વખતે કહ્યું કે, ‘લૂંટફાટ, આગચંપી અને અન્ય હિંસક ગતિવિધિઓને તાત્કાલિક રોકવા માટે ૯ સપ્ટેમ્બર રાત્રે ૧૦:૦૦ વાગ્યાથી સેના દરેક સુરક્ષા તંત્રને પોતાના હાથમાં લેશે.’
હિંસક દેખાવો વચ્ચે નેપાળમાં નવી સરકારના ગઠન માટે સેના પ્રમુખ અશોક રાજ સિગડેલ અને બાલેન શાહ સહિતના આંદોલનકારીઓના નેતઓ વચ્ચે નવી સરકારના ગઠન અંગે વાતચીત ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સુશીલા કાર્કીને વચગાળાના વડાપ્રધાન બનાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, સુશીલા કાર્કી નેપાળની સુપ્રીમ કોર્ટનાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યાં છે.
આ સમયે નેપાળમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. હિંસક દેખાવકારો દ્વારા નેપાળની સંસદ, રાષ્ટ્રપતિના ઘર અને સુપ્રીમ કોર્ટમાં આગચંપી કરી છે. આ ઉપરાંત દેશભરમાં અનેક સ્થળોએ હિંસા અને લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. નેપાળની સેના હેલિકોપ્ટર દ્વારા મંત્રીઓને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહી છે.

