અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીય પ્રવાસી વિદ્યાર્થીઓ અને એચ-૧બી વિઝા ધારકો પર તાજેતરમાં લેવાયેલા કડક પગલાં બાદ હવે તેના પાડોશી દેશ કેનેડાએ પણ ભારતને મોટો ઝટકો આપ્યો છે. કેનેડાએ ૨૦૨૫ માં ૮૦ % ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ રદ કરી હોવાનો ખુલાસો થયો છે.
ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (આરસીસી)ના અહેવાલ અનુસાર, કેનેડાએ ૨૦૨૫ માં ૮૦ % ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ નકારી કાઢી હતી, જે એક દાયકામાં સૌથી વધુ છે. માહિતી અનુસાર, એશિયા અને આફ્રિકાના અન્ય દેશોના અરજદારોની વિઝા અરજીઓ પણ નકારી કાઢવામાં આવી છે પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
કેનેડાના આ પગલાથી ત્યાંની કૉલેજોમાં નોંધણી પર પણ અસર પડી છે. કેનેડિયન સરકારના ડેટા અનુસાર, ૨૦૨૪ માં કેનેડાએ ફક્ત ૧.૮૮ લાખ નવા ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો, જ્યારે બે વર્ષ પહેલા સુધી આ સંખ્યા બમણાથી વધુ હતી.
કેનેડા અને અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓ માટે લોકપ્રિય દેશો હતા જ્યાં લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે હવે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પરંતુ આ બંને દેશોના ખરાબ વર્તન અને ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યેના તેમના ઉદાસીન વલણને કારણે ભારતીય વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ હવે જર્મની તરફ વળી ગયો છે. જર્મની ટોચના પ્રિય દેશ તરીકે ઉભરી આવ્યું છે. આને કારણે, કેનેડા હવે ફક્ત ૯ % વિદ્યાર્થીઓની પહેલી પસંદગી છે.
કેનેડા ભારત સહિત વિશ્વભરના દેશોના વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા બંધ કરી રહ્યું છે, કારણ કે ત્યાં રહેણાંક સુવિધાઓનો ભારે અભાવ છે. આ ઉપરાંત, માળખાગત સુવિધાઓ પર દબાણ વધી રહ્યું છે. સ્થાનિક રાજકારણને કારણે કેનેડાને પણ આવી કાર્યવાહી કરવાની ફરજ પડી છે. કેનેડાએ હવે વિદ્યાર્થીઓને વિઝા આપવા માટેના તેના નિયમોમાં ફેરફાર કર્યો છે અને કહ્યું છે કે વિઝા માટે અરજી કરતાં વિદ્યાર્થીઓએ પહેલા કરતાં વધુ નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવી પડશે. એટલે કે, હવે તેમને ૨૦,૦૦૦ કેનેડિયન ડૉલરના કાગળો બતાવવા પડશે. આ ઉપરાંત, વિગતવાર અભ્યાસ યોજના અને ભાષા પરીક્ષાના પરિણામો સબમિટ કરવાના રહેશે.
