ભારતના ઉપરાષ્ટ્રપતિના પદ પર ચૂંટાયેલા સી.પી. રાધાકૃષ્ણન આજે શુક્રવારે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે ૧૦:૦૦ વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં તેમને શપથ લેવડાવશે. ૬૭ વર્ષીય રાધાકૃષ્ણન અગાઉ મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા. ગત મંગળવારે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમણે વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને ૧૫૨ મતથી હરાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, તત્કાલીન ઉપરાષ્ટ્રીય જગદીપ ધનખડને ગત ૨૧ જુલાઈના રોજ સ્વાસ્થ્ય કારણોસર અચાનક રાજીનામું આપ્યું હતું. જ્યારે હવે રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા બાદ તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપ્યું છે. આ પછી રાષ્ટ્રપતિએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના વધારાનો હવાલો સોંપવાની જાહેરાત કરી છે.
મંગળવારે (૯ સપ્ટેમ્બર) યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણને ઈન્ડિયા બ્લોક ઉમેદવાર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીનો ૧૫૨ મતથી હરાવ્યા હતા. ચૂંટણીમાં ૭૮૮ સદસ્યોમાંથી ૭૬૭ એ મતદાન કર્યું હતુ. રાધાકૃષ્ણનને ૪૫૨ મત મળ્યા હતા. જ્યારે સુદર્શન રેડ્ડીને માત્ર ૩૦૦ મત મળ્યા હતા.
નવા ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનના શપથગ્રહણ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ સામેલ રહી શકે છે. જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હોવાથી શપથ ગ્રહણમાં નહીં આવી શકે. જોકે, કોંગ્રેસના પ્રમુખ ખડગે શપથગ્રહણ સમારોહમાં જોડાશે.