દેશમાં તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. આ મહિનાના અંતમાં નવરાત્રી તથા પછીના મહિને દિવાળી આવશે. આ સાથે દેશભરમાં દિવાળીમાં ફટાકડા અંગે ચર્ચા થવા લાગી છે. આ ચર્ચાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે શુક્રવારે માત્ર દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધનો સવાલ ઉઠાવ્યો હતો. દિલ્હીમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિયાળામાં અસાધારણ પ્રદૂષણ હોવાના કારણે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાતો આવ્યો છે. જોકે, હવે મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈના અધ્યક્ષપદે સુપ્રીમે કહ્યું કે, માત્ર દિલ્હી-એનસીઆર જ શા માટે આખા દેશના નાગરિકોને સ્વચ્છ હવાનો અધિકાર છે. આખા દેશમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકાવો જોઈએ.
મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે દિલ્હી-એનસીઆરમાં આખા વર્ષમાં ફટાકડા ફોડવા પર મૂકાયેલા પ્રતિબંધ સામે ફટાકડા ઉત્પાદકોની અરજીની સુનાવણી કરી હતી. આ સમયે બેન્ચે જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીના ‘એલિટ’ નાગરિકોને સ્વચ્છ હવાનો અધિકાર હોય તો આવો જ અધિકાર દેશના અન્ય નાગરિકોને પણ હોવો જોઈએ. ફટાકડા અંગે કોઈપણ નીતિ સમગ્ર દેશ માટે એક સમાન હોવી જોઈએ.
મુખ્ય ન્યાયાધીશ ગવઈએ સ્પષ્ટરૂપે કહ્યું કે, અમે માત્ર દિલ્હી માટે નિયમ બનાવીએ એવું બની શકે નહીં. માત્ર દિલ્હીના લોકો વિશેષ છે તેવું હોઈ શકે નહીં. હું ગયા વર્ષે અમૃતસરમાં હતો ત્યાંની હવા દિલ્હીથી પણ વધુ ખરાબ હતી. ફટાકડા પર પ્રતિબંધ મૂકવો હોય તો આખા દેશમાં મૂકાવો જોઈએ.
એમિકસ ક્યુરીએ એડવોકેટ અપરાજિતા સિંહે કહ્યું કે, દિલ્હીમાં શિયાળા સમયે પ્રદૂષણની સ્થિતિ એકદમ ભયાવહ થઈ જાય છે. દિલ્હી એક લેન્ડલોક્ડ શહેર છે, જ્યાં હવામાં પ્રદૂષકો ફસાઈ જાય છે, જેથી સ્થિતિ ચોકિંગ લેવલ સુધી પહોંચી જાય છે. જોકે, તેમણે કબૂલ્યું કે, અમીર લોકો તો પોતાનો ખ્યાલ રાખે છે. પ્રદૂષણ વધતા જ તેઓ દિલ્હી છોડી બહાર જતા રહે છે. પરંતુ સામાન્ય લોકોએ પ્રદૂષણનો ભોગ બનવું પડે છે.
સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક અરજી પર સુનાવણી કરતા કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)ને નોટિસ પાઠવી બે સપ્તાહમાં જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી દિવાળી પહેલા આવી છે જ્યારે દર વર્ષે ઉત્તર ભારતમાં પ્રદૂષણ અત્યંત ખરાબ થઈ જાય છે. તેનું કારણ સામાન્ય રીતે ફટાકડા અને ખેતરોમાં સળગાવાતી પરાળી હોય છે.
છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી અને એનસીઆરમાં દિવાળી પહેલા ફટાકડા પર આકરા પ્રતિબંધ મૂકાય છે, જેમ કે ક્યાંક આખા વર્ષ માટે પ્રતિબંધ મૂકાય છે તો ક્યાંક કેટલાક કેટલાક કલાક માટે છૂટ અપાય છે. ફટાકડાના વેચાણ અને સંગ્રહ પર પણ આકરા નિયમો છે. આ પહેલા ૧૯ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ દિલ્હી સરકારે આખા વર્ષ માટે ફટાકડા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના એનસીઆર વિસ્તારમાં પણ પ્રતિબંધ વધારી દીધો હતો. ૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ કોર્ટે કહ્યું કે આ પ્રતિબંધ આખું વર્ષ રહેશે. ગ્રીન ફટાકડાને પણ છૂટ નહીં મળે. મે ૨૦૨૫માં કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ મુદ્દે આકરા પાલનની અને પાલન ના થાય તો કાર્યવાહીની ચેતવણી આપી હતી. સુપ્રીમે કહ્યું કે, કેટલાક મહિના માટે પ્રતિબંધ મૂકવાનો કોઈ અર્થ નથી. લોકો ફટાકડા એકત્ર કરશે અને પ્રતિબંધ ના હોય તેવા સમયે ફોડશે.