ઉત્તરાખંડના દહેરાદૂનમાં સહસ્ત્રધારા કાર્લીગાડ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે વાદળ ફાટવાથી અમુક દુકાનો વહી ગઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ, બે લોકો ગુમ જણાવવામાં આવી રહ્યા છે. અહીં સતત રેસ્ક્યુ અને બચાવ કામગીરી શરૂ છે. તંત્ર મોડી રાતથી અહીં લોકોની મદદ માટે પહોંચી ગયું છે.
ઉત્તરાખંડને ફરી એકવાર કુદરતનો માર સહન કરવો પડી રહ્યો છે. સહસ્ત્રધારના કાર્લીગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ વાદળ ફાટવાથી લોકો ગભરાઈ ગયા હતા. વાદળ ફાટવાથી ૨-૩ મોટી હોટલોને નુકસાન થયું છે, જ્યારે બજારમાં બનેલી ૭-૮ દુકાનો ધરાશાયી થઈ ગઈ છે.
લગભગ ૧૦૦ જેટલા લોકો ઘટનાસ્થળે ફસાયા હતા જેમને ગ્રામજનોએ જાતે જ રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. વાદળ ફાટવાની માહિતી મળતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્રએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. વાદળ ફાટવાની જગ્યાની નજીક રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. એસડીઆરએફ, એનડીઆરએફ, જાહેર બાંધકામ વિભાગે રાત્રે જ કામ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં બે લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.
દહેરાદૂનમાં આ દુર્ઘટના બાદ, જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. આઈઆરએસ સિસ્ટમ સાથે જોડાયેલા વિભાગો પણ સક્રિય થઈ ગયા છે. મંગળવારે સવારથી દહેરાદૂનમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે, આઈટી પાર્ક નજીક મોટા પ્રમાણમાં કાટમાળ ધસી ગયો હતો, જેના કારણે સોંગ નદીનું પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે. પોલીસે નદીકાંઠે રહેતા લોકોને ચેતવણી આપી છે અને તેમને સુરક્ષિત સ્થળોએ જવા કહ્યું છે. બીજી બાજુ, મસૂરીમાં પણ મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે, મસૂરી દેહરાદૂન પાની વાલા બેન્ડ પાસે ભૂસ્ખલન થવાથી માર્ગ બંધ થઈ ગયો છે.