અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે નવો ફણગો ફોડયો છે. તેણે, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીનને વિશ્વના અગ્રણી ડ્રગ્સ ઉત્પાદન કેન્દ્ર ગણાવ્યા છે, જે અમેરિકાના યુવાધનને પાયમાલ કરે છે. ટ્રમ્પે યુએસ કોંગ્રેસ સમક્ષ રજૂ કરેલા પ્રેસિડેન્સિટલ ડિટરમિનેશન વિશ્વના કુલ ટોચના 23 ડ્રગ ઉત્પાદન કરતાં દેશો, કેન્દ્રો અને ટ્રાન્ઝિટ રુટ તરીકે ઉપયોગમાં લેવાતા દેશોની યાદી સોંપી હતી.
ટ્રમ્પના જણાવ્યા મુજબ આ દેશોમાં ભારત,પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન ઉપરાંત બહામાસ, બેલિઝ, બોલિવિયા, બર્મા, કોલંબિયા, કોસ્ટારિકા, ડોમિનિકન રિપબ્લિકન, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હૈતી, હોન્ડુરાસ, જમૈકા, લાઓસ, મેક્સિકો, નિકારાગુઆ, પનામા, પેરુ અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે.ટ્રમ્પે આ દેશોના નામ કોંગ્રેસને સોંપ્યા છે. આ દેશો અમેરિકા અને અમેરિકન નાગરિક માટે જોખમી હોવાનું જણાવ્યું છે. આ દેશો અમેરિકામાં ગેરકાયદે ડ્રગ્સ ઘૂસાડવા અને ક્યાં તો તેમના પરિવહન કે ઉત્પાદન માટે જાણીતા છે.
પ્રેસિડેન્સિયલ ડિટરમિનેશનમાં વિદેશ વિભાગે જણાવ્યું હતું કેઆ ૨૩ દેશોમાંથી પાંચ દેશો અફઘાનિસ્તાન, બોલિવિય, બર્મા, કોલંબિયા અને વેનેઝુએલા તો ડ્રગ્સના દૂષણને નાથવામાં સદંતર નિષ્ફળ ગયા હતા. આના પગલે તાજેતરમાં જ અમેરિકાએ આવા જ એક વેનેઝુએલાના ડ્રગ્સની તસ્કરી કરતા જહાજ પર હુમલો કરવો પડયો હતો.
આ દેશોમાં ઉત્પાદિત થતાં ગેરકાયદે ડ્રગ્સ અને કેમિકલ્સ અમેરિકન નાગરિક માટે જોખમી છે. વિદેશ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે જરુરી નથી કે આ યાદી સરકારની ડ્રગ્સના દૂષણ સામેની કાર્યવાહીનું પ્રતિબિંબ પાડે. તેમણે જણાવ્યું હતું કે ચીન અમેરિકા સહિત વિશ્વમાં ફેન્ટાનીલનું સૌથી મોટું પુરવઠાકાર છે. તે મોટાપાયા પર સિન્થેટિક નાર્કોટિક્સ જેવા કે નીતાઝેન્સ અને મટામેમ્ફેટાઇન પૂરાં પાડે છે. ચીનની નેતાગીરીએ આ પ્રકારના ગેરકાયદે કેમિકલનો પુરવઠો અટકાવવા વધુ આકરાં પગલાં ભરવા જોઈએ.
અફઘાનિસ્તાનના તાલિબાનો ગેરકાયદે ડ્રગ્સને ડામવામાં સદંતર નિષ્ફળ ગયા છે. તેઓના અમુક આગેવાનો રીતસર આ ધંધામાં જ રોકાયેલા છે. તેમા પણ છેલ્લા ૧૨ મહિના દરમિયાન તો તેણે ઉલ્લેખનીય કહી શકાય તેવી કોઈ કાર્યવાહી આ ડ્રગ સપ્લાયરો સામે કરી નથી. આ ડ્રગ કાર્ટેલના રુપિયાનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય આતંકવાદી પ્રવૃત્તિઓમાં અને ગેંગોને મજબૂત બનાવવામાં તથા શસ્ત્રોના વેપારમાં કરાય છે.