ગાંધીનગર જિલ્લામાં સાબરમતી નદીના કાંઠા વિસ્તારમાં આજે વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ૫૦૦ થી વધુના પોલીસ કાફલા સાથે સરકારી જમીન પર થયેલા ૭૦૦ થી વધુ ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પેથાપુર અને ચરેડી સહિતના વિસ્તારોમાં વર્ષોથી ખડકાયેલા દબાણોને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે.
આજે સવારથી જ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સાબરમતી નદીકાંઠાના વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૫૦૦ થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા કાચા-પાકા મકાનો અને અન્ય બાંધકામોને તોડી પાડવા માટે બુલડોઝર અને જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ દબાણકર્તાઓને અગાઉ વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસની સમયમર્યાદા પૂરી થવા છતાં દબાણકારોએ જગ્યા ખાલી ન કરતા આખરે તંત્રએ બળપ્રયોગ કરી દબાણો દૂર કરવાની ફરજ પડી હતી.