દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટમાંથી રાહત મળી છે. પોતાની ૮૨ વર્ષીય બીમાર માતાની સારવાર માટે 45 દિવસના હંગામી જામીન માગ્યા હતા. નારાયણ સાંઈની હંગામી જામીન અરજી પર સુનાવણી થયા બાદ હાઇકોર્ટે ૫ દિવસના શરતો સાથે હંગામી જામીન મંજૂર કર્યા છે. જામીન દરમિયાન નારાયણ સાંઈ અમદાવાદમાં તેના માતાના ઘરે જ રોકાઈ શકશે. પરંતુ તે પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં.
નારાયણ સાંઈના વકીલે રજૂઆત કરી હતી કે, અગાઉ બીમાર પિતા આસારામને મળવા માટે ૫ દિવસના હંગામી જામીન આપવામાં આવ્યા હતા. હાલ, અરજદારના કાર્ડિયાક અરેસ્ટથી પીડિત બીમાર માતાને મળવા માટે ૪૫ દિવસના જામીન આપો. જોકે, હાઇકોર્ટે ૪૫ દિવસના જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને શરતો સાથે ૫ દિવસના જામીન મંજૂર કર્યા છે. જેલમાંથી છૂટશે ત્યારથી જામીન ગણાશે. જામીન દરમિયાન તે ફક્ત તેના માતાના ઘરે જ રોકાઈ શકશે, બીજી કોઈ જગ્યાએ નહીં. સુરતની લાજપોર જેલમાંથી છૂટ્યા બાદ અમદાવાદ તેમના માતાના ઘરે આવશે
નારાયણ સાંઈ ને પોલીસના કડક જાપ્તા હેઠળ રાખવામાં આવશે, જેથી તેઓ જામીનની શરતોનો ભંગ ન કરી શકે. હાલમાં નારાયણ સાઈ સુરતની લાજપોર જેલમાં બંધ છે, જ્યાં તેઓ દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ જામીન તેમની માતાની ગંભીર બિમારીને ધ્યાનમાં રાખીને માનવીય આધાર પર આપવામાં આવ્યા છે.