થોડા દિવસના વિરામ બાદ અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે. વાહનચાલકોને નાનીમોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ સામાન્ય જનતાએ વરસાદનો આનંદ પણ માણ્યો.
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. મહાનગર પાલિકા તંત્ર દ્વારા નિકાસ વ્યવસ્થા સુધારવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ છે.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે અને થોડીવારમાં વધુ વિસ્તારોમાં વરસાદ ખાબકવાની શક્યતા છે.
ગુજરાતમાં સામે નવરાત્રી આવી રહી છે. સોમવારથી નવરાત્રી શરુ થવા જઈ રહી છે તો બીજી તરફ વરસાદ જામી રહ્યો છે. ધીમે ધીમે વરસાદ પડાવનો વિસ્તાર પણ વધી રહ્યો છે. અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદના આંકડા પ્રમાણે ૨૪ કલાકમાં ૮૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચ અને સુરતમાં નોંધાયો હતો.