MAHARASHTRA : મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ PM MODIને લખ્યો પત્ર, જાણો શું શું માંગણીઓ કરી

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેરમાં દેશભરમાં કોરોના સંક્રમણ ભયજનક રીતે આગળ વધી રહ્યું છે. રોજ નવા કેસો, એક્ટીવ કેસો અને મૃત્યુના આંકડાઓ નવા સ્તરે પહોચી રહ્યા છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કર્ફ્યુ લગાવ્યો છે તો અન્ય રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ લાગુ છે. કર્ફ્યુને કારણે સામાન્ય લોકો, શ્રમિકોને થતા આર્થિક નુકસાન સામે સહાય આપવા મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે એ વડાપ્રધાન મોદીને પત્ર લખી વિવિધ માંગણીઓ કરી છે.

GST રીટર્નમાં ત્રણ મહિનાની મુદ્દત વધારો
કોરોના મહામારીના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને થોડીક રાહતોની માંગ કરી છે. ઉદ્ધવ ઠાકરેએ પત્રમાં કહ્યું છે કે કોરોનાના વધતા જોખમોને ધ્યાનમાં રાખીને નાના અને મધ્યમ કરદાતાઓની સુવિધા માટે જીએસટી રીટર્ન ફાઇલ કરવાની તારીખ 3 મહિના લંબાવી દેવી જોઈએ. ઠાકરેએ એમ પણ કહ્યું છે કે આ માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ આખા દેશમાં કરવાની જરૂર છે.

 

વડીલોને રૂ.100, બાળકોને રૂ.60 આપો
ઉદ્ધવ ઠાકરેએ એ પણ માંગ કરી છે કે કોરોનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવામાં આવે જેથી સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફંડ (SDRF) નો ઉપયોગ થઈ શકે. આ સિવાય કેન્દ્ર સરકાર SDRFનોની સહાયનો પ્રથમ હપ્તો તાત્કાલિક જાહેર કરવો જોઈએ. મીની લોકડાઉનની તરફેણ કરતાં તેમણે માંગ પણ કરી છે કે રાજ્યોમાં અંત્યોદય અન્ન યોજના હેઠળ દરેક પુખ્ત વ્યક્તિને દૈનિક રૂ.100 અને નાના બાળકોને રૂ.60 આપવા જોઈએ.

નાના ઉદ્યોગકારો માટે કરી માંગણી
ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે ઘણા નાના ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગપતિઓએ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લોન લીધી છે. હવે તેઓને કોરોનાને ધ્યાનમાં રાખીને છૂટ આપવાની જરૂર છે. જેમ જેમ કોરોનાનો ભય વધતો જાય છે, તેમ તેમ તેમની મુશ્કેલીઓ પણ વધી છે. સરકારે તેમના માટે રાહતની ઘોષણા કરવી જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ સરકારને વિનંતી કરી છે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ 3 મહિના માટે લોનના હપ્તા અને વ્યાજ ન લેવામાં આવે. આ ઉદ્યમીઓ માટે આ મુશ્કેલ સમયમાં સહાયક બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *