હાલ રાજ્યભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને નાથવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જો કે આમ છતાં ગંભીર દર્દીઓ માટે જરૂરી એવા રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે તંગી ઉભી થઈ છે અને કાળા બજારી પણ સામે આવી રહી છે. જેને પગલે આરોગ્ય વિભાગે RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન આપવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગના નવા પરિપત્ર પ્રમાણે HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેક્શન અપાશે.

અમદાવાદમાં ડોરસ્ટેપ ડિલિવરી થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોમઆઈસોલેશનમાં હોય તેવા દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શન પુરા પાડવાનો નિર્ણય કર્યો છે. હવેથી તમામ ડેઝિગ્નેડેટ કોવિડ હોસ્પિટલો, ડેડીકેટેડ કોવિડ આરોગ્ય કેન્દ્રો(નર્સિંગ હોમ્સ) અને કોવિડ કેર સેન્ટર્સને ડોરસ્ટેપ ડિલિવરી મળશે.
ઉલ્લેખનીય છે કે, 15મી એપ્રિલ સુધીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં 36,106 રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું છે.
કોને કોને અને કઈ રીતે ઈન્જેક્શન મળશે
- તમામ ડેઝિગ્નેડેટ કોવિડ હોસ્પિટલો, ડેડીકેટેડ કોવિડ આરોગ્ય કેન્દ્રો(નર્સિંગ હોમ્સ) અને કોવિડ કેર સેન્ટર્સને ડોરસ્ટેપ ડિલિવરી મળશે.
- અમદાવાદ નર્સિંગ હોમ્સ એેસોસિયેશનના રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ દ્વારા સંભાળ લેવામાં આવતા બધા હોમ આઈસોલેશન વાળા દર્દીઓ ANHA દ્વારા મેળવશે.
- સી-ફોર્મ ધરાવતી ખાનગી હોસ્પિટલોએ આ દસ્તાવેજો આપવા પડશે
- માન્ય સી-ફોર્મ ધરાવતી તમામ ખાનગી હોસ્પિટલો(કેટેગરી-1માં ઉલ્લેખિત સિવાય)એ તેઓની જરૂરિયાત ઈ-મેલ આઈડી remdesivir.tossilamc@gmail.com પર હોસ્પિટલોએ નિયત કરેલા ફોર્મેટ(ફક્ટ PDF ફોર્મેટ)માં અને જરૂરી દસ્તાવેજો સાથે મોકલવાની રહેશે.
- સી-ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલી કોપી.
- જણાવેલા ફોર્મેટમાં દરેક દર્દીઓની RTPCR રિપોર્ટની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલી કોપી
- ઈન્જેક્શન લેવા આવનાર વ્યક્તિના ઓળખ કાર્ડની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કોપી.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈન્જેક્શનની ડિલિવરી
હોસ્પિટલોએ ફક્ત AMC તરફથી કન્ફર્મેશન ઈ-મેઈલ મેળવ્યા પછી ફક્ત નિયત સમય અને તારીખે માન્ય ડોઝ લેવા માટે તેમના પ્રતિનિધિને મોકલવાના રહેશે. હોસ્પિટલના પ્રતિનિધિને પૂરતા દસ્તાવેજો વિના, કન્ફર્મેશન મેળવ્યા વિના અને વ્યક્તિગત દર્દીઓએ ઈન્જેક્શન મેળવવા માટે ન આવવા વિનંતિ છે.
GMCL તરફથી જ્યાં સુધી સ્ટોક મળશે ત્યાં સુધી ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવશે. જે હોસ્પિટલો કેટેગરી-3માં આવતી હોય તેમણે આ સાથે આપેલા ફોર્મેટમાં જણાવેલા સમય અને તારીખ(ઈ-મેલમાં પ્રાપ્ત થયેલા કન્ફર્મેશન સાથે) એટ્રીયમ, SVP હોસ્પિટલ, એલિસબ્રિજના સરનામે આવવાનું રહેશે.