કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે અંતે કડક નિર્ણય કરવો પડ્યો છે. તેમણે ગુરુવારે નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ-કોન્ફરન્સ કરીને આ વિશે જાહેરાત કરી છે. જોકે વીકએન્ડ કર્ફ્યૂમાં પણ જરૂરી સેવાઓ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વીકએન્ડ કર્ફ્યૂ શુક્રવારે રાતે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં લાગુ કરવામાં આવશે.
વીકએન્ડ કર્ફ્યૂ કેવી રીતે કરાશે?
વીકએન્ડ કર્ફ્યૂ વિશે અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જરૂરી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. જેમની લગ્નની તારીખ નક્કી છે તેમને પાસ આપવામાં આવશે. મોલ, જિમ, સ્પા, બજાર અને અન્ય દુકાનો બંધ રાખવામાં આવશે. સિનેમા હોલ 30 ટકા ક્ષમતાથી ચાલુ રાખવામાં આવશે.
વીકએન્ડમાં વિસ્તાર પ્રમાણે એક બજાર ખુલ્લું રાખવામાં આવશે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે પાંચ દિવસ લોકો કામ કરે, પરંતુ વીકએન્ડમાં ઘરે રહેવાનો પ્રયત્ન કરે. જો કોઈને હોસ્પિટલ જવું હોય તો એરપોર્ટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જવું હશે તો તે લોકોને છૂટ આપવામાં આવશે, પરંતુ એ માટે પાસ લેવો પડશે.
દેશના પાટનગર દિલ્હીમાં કોરોનાને કારણે હાહાકાર શરૂ થઈ ગયો છે. દિલ્હીની હોસ્પિટલોમાં બેડ્સની અછત છે અને ઓક્સિજન-સિલિન્ડર પણ નથી મળતાં. સ્મશાનઘાટની બહાર પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ મહાસંકટ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે એક મહત્ત્વની બેઠક થઈ હતી.
નોંધનીય છે કે, દિલ્હીમાં હાલ પહેલેથી જ નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. જ્યાં વધારે કેસ છે ત્યાં કન્ટેન્ટમેન્ટ ઝોન પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આટલા પ્રતિબંધો પછી પણ કેસ ઓછા નથી થતા.
બુધવારે રાજ્યમાં 17,282 લોકોના કોરોના પોઝિટિવ મળ્યા હતા. 9,952 લોકો સ્વસ્થ થયા અને 104 લોકો મૃત્યુ પામ્યા. અહીં સુધીમાં 7.67 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 7.05 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 11,540 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહીં 50,736 દર્દી સારવાર લઈ રહ્યા છે.
દિલ્હીમાં કોરોનાની સ્થિતિ
24 કલાકમાં નવા આવેલા કેસ: 17,282
24 કલાકમાં થયેલાં મોત: 104
કુલ કેસ: 7,67,438
એક્ટિવ કેસ: 50,736
અત્યારસુધી થયેલાં મોત: 11,540