સીબીએસઈ અને અન્ય રાજ્યો બાદ અંતે ગુજરાત સરકારે પણ સ્ટેટ બોર્ડની ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ મોકુફ કરવાની જાહેરાત કરી છે. ૧૦ મેથી શરૃ થનારી ધો.૧૦-૧૨ના ૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા કોરોનાની વિકટ સ્થિતિની લઈને મે અંત સુધી મોકુફ કરી દેવાઈ છે. જ્યારે ધો.૧થી૮ અને ધો.૯ અને ૧૧માં માસ પ્રમોશન આપવાની પણ સરકારે જાહેરાત કરી છે.સતત બીજા વર્ષે માસ પ્રમોશન આપવુ પડતા સ્કૂલ શિક્ષણને મોટી ગંભીર અસર થઈ છે.
મુખ્યમંત્રી વિજય રૃપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારની કેબિનેટની મીટિંગ મળી હતી.જેમાં આગામી બોર્ડ પરીક્ષાઓ અને સ્કૂલોમાં માસ પ્રમોશનને લઈને ચર્ચા કરવામા આવી હતી. ગુજરાતમાં કોરોનાના કેસનો સતત રેકોર્ડ તુટી રહ્યો છે અને રોજ નવી સપાટી નોંધાઈ રહી છે તેમજ સાથે મૃત્યુની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે હવે રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જતી રહી હોવાથી આ સ્થિતિમાં બોર્ડ પરીક્ષાઓ ૧૦મીમેથી લઈ શકાય તેમ નથી. ઉપરાંત મે અંત સુધી હવે સ્કૂલો રેગ્યુલર ખુલી શકે તેમ નથી અને વિદ્યાર્થીઓ કલાસમાં પણ બોલાવી શકાય તેમ નથી.જેને પગલે અંતે સરકારે ૧૦મેથી ૨૫ મે દરમિયાન લેવાનારી ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા મોકુફ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ વર્ષે પણ ધો.૧થી૮ અને ધો.૯-૧૧માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામા આવી છે. ગત વર્ષે તો માર્ચમા બોર્ડ પરીક્ષાઓ પુરી થઈ ગયા બાદ કોરોનાની શરૃઆત થતા અને લોકડાઉન લાગુ થતા બોર્ડ પરીક્ષાઓ બગડી ન હતી પરંતુ લોકડાઉનને પગલે એપ્રિલમાં લેવાતી ધો.૧થી૮ અને ૯-૧૧ની વાર્ષીક પરીક્ષાઓ લઈ શકાઈ ન હતી.જેથી ગત વર્ષે માસ પ્રમોશન આપવામા આવ્યુ હતુ.
આ વર્ષે સરકાર કોઈ પણ હિસાબે માસ પ્રમોશન આપવાના પક્ષમા ન હતી. સરકારે જુનમાં વાર્ષિક પરીક્ષાઓ લેવાનું પણ આયોજન કર્યુ હતું. પરંતુ કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબીત થઈ રહી છે અને સ્થિતિ ખૂબ જ વણસી જતા હવે ક્યારે કાબુમાં આવશે તે પણ નક્કી નથી.જેને પગલેઆ વર્ષે પણ માસ પ્રમોશન આપવાનુ નક્કી કરાયુ છે. જો કે સરકારે હાલ તો ધો.૧થી૧૨માં બાળકોને ૧૦ મે સુધી સ્કૂલે ન બોલાવવા અને પ્રત્યક્ષ શિક્ષણ બંધ રાખવા આદેશ કર્યો છે.પરંતુ ૧૦મે બાદ પણ હવે સ્કૂલો રેગ્યુલર ખોલીને કલાસરૃમ શિક્ષણનો કોઈ મતલબ રહેતો નથી કારણકે વાર્ષિક પરીક્ષા લેવાનાર નથી અને માસ પ્રમોશન આપી દેવાનું છે. મહત્વનું છે કે ધો.૧થી૮ અને ધો.૯-૧૧ના મળીને એક કરોડ જેટલા બાળકોને માસ પ્રમોશનથી સીધો ફાયદો થશે. માસ પ્રમોશનથી બાળકોને ફાયદા સાથે વાલીઓને મોટી રાહત થઈ છે પરંતુ બીજી બાજુ સ્કૂલ શિક્ષણની મોટી ગંભીર અસર પણ થઈ છે.